IPL 2022ની 14મી મેચમાં KKRએ મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં એક સમય એવો હતો કે જાણે મુંબઈની ટીમ આરામથી KKRને હરાવી દેશે. પરંતુ KKRના એક ખેલાડીએ થોડા જ બોલમાં મેચને પલટી નાખી હતી. આ ખેલાડી બીજો કોઈ નહીં પણ સ્ટાર બોલર પેટ કમિન્સ હતો. પરંતુ આ વખતે કમિન્સે બોલથી નહીં પરંતુ બેટથી પોતાનો કૌશલ્ય બતાવ્યો છે.
કમિન્સે બનાવ્યો રેકોર્ડ
આ મેચમાં પેટ કમિન્સ KKR માટે હીરો સાબિત થયો હતો. આ ખેલાડીએ માત્ર 15 બોલમાં અણનમ 56 રનની ઇનિંગ રમી હતી. કમિન્સે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 6 લાંબા છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ખેલાડીએ ઇનિંગ્સ રમવાની સાથે એક એવો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે, જેના માટે બેટ્સમેન પણ તડપતા હોય છે. IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો આ રેકોર્ડ છે.
સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી
હા, કમિન્સે આ મેચમાં આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો છે. કમિન્સે આ મેચમાં માત્ર 14 બોલમાં ઝડપી અડધી સદી ફટકારી હતી. અત્યાર સુધી માત્ર સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ જ આ કારનામું કરી શક્યા છે. રાહુલ આ પહેલા પણ 14 બોલમાં IPL ફિફ્ટી ફટકારી ચૂક્યો છે. ક્રિસ ગેલ, એબી ડી વિલિયર્સ, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બેટ્સમેન પણ આઈપીએલમાં પોતાની કારકિર્દીમાં આ કારનામું કરી શક્યા નથી.
KKR એ શાનદાર જીત હાંસલ કરી
આ મેચમાં પેટ કમિન્સ ઉપરાંત વેંકટેશ અય્યરે પણ KKR માટે 50 રનની અણનમ ઇનિંગ રમી હતી. મુંબઈ તરફથી ટાઇમલ મિલ્સ અને મુરુગન અશ્વિને 2-2 વિકેટ ઝડપી હતી. આ સાથે, KKR હવે IPL પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. કેકેઆરની ચાર મેચમાં આ ત્રીજી જીત છે. જ્યારે મુંબઈની આ સતત ત્રીજી હાર છે.