સારંગપુરમાં ભગવાન હનુમાનને 7 કરોડના સોનાના વસ્ત્રોથી શણગારવામાં આવ્યા

બોટાદ જિલ્લાના સારંગપુર સ્થિત કષ્ટભંજન દેવ મંદિર ખાતે શનિવારે હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારે 151 કિલોની કેક કાપી હનુમાનજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કષ્ટભંજન દેવને જન્મજયંતિ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તેમણે 7 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા ગોલ્ડ પ્લેટેડ કપડાં પહેર્યા હતા.

હનુમાન જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ શુક્રવારે સારંગપુરમાં હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હાથી, ઘોડા અને ડીજેના તાલે નારાયણ કુડથી મંદિર સુધીની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. બે વર્ષ પછી, અજર-અમર અંજની લાલની જન્મજયંતિની ઉજવણી કરવા માટે આજુબાજુના અનેક જિલ્લાઓમાંથી ભક્તો સવારથી મંદિરે ઉમટી પડ્યા હતા. શનિવારે જન્મજયંતિ મહોત્સવ યોજાતા ભક્તોની આસ્થા અને ખુશી બેવડાઈ ગઈ હતી. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હનુમાનદાદાના મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા.

જ્યાં-જ્યાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે, ત્યાં દરેક જગ્યાએ આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સારંગપુરના શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરે બપોરે 3 થી 7 દરમિયાન નારાયણ કુડથી મંદિર પરિસર સુધી હાથી પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાથે જ એક હજાર ભક્તોએ યજ્ઞનો લાભ લીધો હતો.

અમરેલીના ભુરખીયા હનુમાન મંદિરે મેળો

અમરેલી જીલ્લાના લાઠી ખાતે આવેલ સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાન મંદિર ખાતે જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બે વર્ષથી જન્મજયંતિનો માહોલ ફીકો પડયો હતો પરંતુ આ વખતે મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના તાત્કાલિક હનુમાનજી મંદિર, બગસરાના જામકા ગામે આવેલ જાગૃત હનુમાન મંદિર સહિત જિલ્લાના તમામ મંદિરોમાં બટુક અન્નકૂટ, સુંદરકાંડના પાઠ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ સ્થિત પ્રાચીન બાલાજી મંદિર, કષ્ટભંજન હનુમાનજી દાદા, કુવાડવા રોડ સ્થિત સાત હનુમાનજી મંદિર, કોટેશ્વર મંદિર સહિત અન્ય તમામ મંદિરોમાં સવારથી આરતી-પૂજા ચાલુ રહી હતી.

Scroll to Top