આસામના બારપેટા જિલ્લાની સ્થાનિક અદાલતે મંગળવારે ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને “પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા” માટે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. કોર્ટે તેની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. મેવાણીની બારપેટા જિલ્લા પોલીસે મહિલા પોલીસ અધિકારીના અપમાન તેમજ અપશબ્દો બોલવા સહિતના વિવિધ આરોપો હેઠળ ધરપકડ કરી છે.
ધારાસભ્ય સામે લાદવામાં આવેલા અન્ય આરોપોમાં IPC 294 (અશ્લીલ કૃત્ય અથવા જાહેરમાં શબ્દોનો ઉપયોગ), IPC 323 (સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું), 353 (જાહેર કર્મચારીને તેની ફરજ નિભાવતા અટકાવવા) અને 354 (કોઈપણ મહિલા પર) હુમલો અથવા અપમાન કરવા જેવા ગૂનાના સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘વાંધાજનક’ ટ્વીટના સંબંધમાં આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યાના છ દિવસ પછી, આસામ પોલીસે સોમવારે ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોકરાઝાર જિલ્લાની અદાલતે જામીન આપ્યા બાદ તરત જ ફરીથી ધરપકડ કરી હતી.
મેવાણી વિરુદ્ધ ફરિયાદમાં શું છે?
એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે 21 એપ્રિલે મેવાણી વિરુદ્ધ બારપેટા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે, “21 એપ્રિલે જ્યારે હું ધરપકડ કરાયેલા આરોપી જિગ્નેશ મેવાણીને અન્ય પોલીસ અધિકારીઓ સાથે ગુવાહાટી એરપોર્ટથી કોકરાઝાર લઈ જઈ રહી હતી. આરોપી વ્યક્તિએ મારી તરફ અપશબ્દો કહ્યા હતા. તેણે ઉમેર્યું, “જ્યારે મેં તેને શાંતિથી બોલવાનું કહ્યું, ત્યારે તે ઉશ્કેરાઈ ગયો અને પછી અપશબ્દોનો ઉપયોગ કર્યો. તેઓએ મારી તરફ આંગળી ચીંધી અને મને ડરાવવાનો પ્રયાસ કર્યો અને બળપૂર્વક મને મારી સીટ પર ધકેલી દીધી.”