મસમોટી ફી લઇને અભિનેત્રીએ કરી છેતરપિંડી, 3 મિનિટમાં જ સ્ટેજ પરથી ભાગી

અભિનેત્રી અમીષા પટેલ ફરી એકવાર મુશ્કેલીમાં છે. એક સામાજિક કાર્યકર દ્વારા ‘છેતરપિંડી’ના આરોપમાં તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમીષા પટેલ પર આરોપ છે કે તેણે કાર્યક્રમમાં આવવા માટે મોટી ફી લીધી, પરંતુ માત્ર ત્રણ મિનિટમાં જ સ્ટેજ પરથી જતી રહી અને પાછી આવી નહીં. જ્યારે અમીષાએ બચાવમાં જવાબ આપતા કહ્યું છે કે ઈવેન્ટમાં તેના જીવને ખતરો હતો અને આયોજકોએ ઈવેન્ટનું આયોજન ખૂબ જ ખરાબ રીતે કર્યું હતું.

સામાજિક કાર્યકર્તા સુનીલ જૈન દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, અભિનેત્રી પર આરોપ છે કે તેણે ફી લીધા પછી પણ મધ્ય પ્રદેશના ખંડવામાં એક કાર્યક્રમમાં ‘અધૂરું’ પરફોર્મ કર્યું હતું. ફિલ્મ અભિનેત્રીએ આ ઇવેન્ટમાં તેના અભિનય માટે લાખો રૂપિયા ચાર્જ કર્યા હોવાના અહેવાલ છે. દરમિયાન, અમીષા પટેલે પોતાનો બચાવ કર્યો છે કે આ કાર્યક્રમના આયોજકો દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

 

ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલે તેના ટ્વિટર હેન્ડલ પર આ બાબત વિશે લખ્યું હતું કે, 23 એપ્રિલે તેણે મધ્યપ્રદેશના ખંડવા શહેરમાં નવચંડી મહોત્સવ 2022માં ભાગ લીધો હતો. પરંતુ ઇવેન્ટનું આયોજન સ્ટાર ફ્લેશ એન્ટરટેઈનમેન્ટ અને અરવિંદ પાંડે દ્વારા ખરાબ રીતે કરવામાં આવ્યું હતું. મારી સારી કાળજી લેવા બદલ હું સ્થાનિક પોલીસનો આભાર માનું છું. અમીષાએ એ પણ કહ્યું કે ઈવેન્ટમાં તેને પોતાના જીવનું જોખમ હતું.

જો કે, તે ઇવેન્ટમાં ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ સાથે ગેરવર્તણૂક અથવા ઝપાઝપીના કોઈ અહેવાલ નથી. આ મામલામાં મોઘાટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈશ્વર સિંહ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ‘ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલના ઈવેન્ટના દિવસે તેઓ પણ સ્થળ પર હાજર હતા. કાર્યક્રમમાં લોકોની ભીડ ચોક્કસપણે હતી, પરંતુ કોઈપણ પ્રકારની અભદ્રતા નહોતી. ઉપરાંત, અન્ય કોઈ પ્રકારની આશંકા અંગે કોઈ માહિતી મળી નથી.

પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઇશ્વર સિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું કે, અભિનેત્રી લગભગ 9.30 વાગ્યે મંદિર પરિસરમાં બનેલા સ્ટેજ પર પહોંચી અને દર્શકોનું અભિવાદન કર્યું. તેણી (અમિષા)ને એક કલાક માટે પરફોર્મ કરવાનું હતું, પરંતુ તે માત્ર 3 મિનિટનું પરફોર્મ કરીને ઈન્દોર જવા રવાના થઈ ગઈ હતી. નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે અમીષા આ રીતે ફસાઈ હોય. આ પહેલા પણ 32 લાખ રૂપિયાના ચેક બાઉન્સના મામલામાં કોર્ટે તેને વોરંટ જારી કર્યું હતું.

Scroll to Top