શાહરુખ ખાન ભારતમાં નહી પણ આ દેશમાં બનાવશે વર્લ્ડ કલાસ સ્ટેડિયમ

અભિનેતા શાહરૂખ ખાનના જીવનમાં અભિનય પછી જો સૌથી રસપ્રદ વાત હોય તો તે છે ક્રિકેટ. જેના કારણે તેણે પહેલા આઈપીએલમાં ટીમ ખરીદી અને હવે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા જઈ રહ્યો છે. તે પણ વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ. શાહરૂખ આ સ્ટેડિયમ અમેરિકાના લોસ એન્જલસમાં બનાવશે. જે 15 એકર વિસ્તારમાં ફેલાયેલ હશે. અભિનેતાએ પોતે આ માહિતી શેર કરી છે. ટ્વીટ કરીને તેણે પોતાની ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને એમએલ ક્રિકેટ વચ્ચેની આ ડીલની જાણકારી આપી છે.

શાહરૂખ ખાને શુક્રવારે ટ્વીટ કરીને લખ્યું, ‘એમએલ ક્રિકેટ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ગ્રુપે ગ્રેટર લોસ એન્જલસ મેટ્રોપોલિટન એરિયા, યુએસએમાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે હાથ મિલાવ્યા છે.’ આ સાથે તેણે ડીલ સંબંધિત વિગતો જાણવા માટે એક રિપોર્ટ પણ શેર કર્યો.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ‘મેજર લીગ ક્રિકેટ (MLC), નાઈટ રાઈડર્સ ગ્રૂપ અને સિટી ઓફ ઈર્વાઈન સાથેની ભાગીદારીમાં, આજે જાહેરાત કરી કે તે ગ્રેટ પાર્કની 15 એકર જમીન પર વિશ્વ કક્ષાનું ક્રિકેટ મેદાન બનાવવા માટે વિશિષ્ટ વાટાઘાટો કરાર મંજૂર કરવામાં આવ્યો છે.’ એવી પણ જાણ કરવામાં આવી હતી કે આ પ્રોજેક્ટમાં કેટલાક મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આર્કિટેક્ટ્સ HKS ગ્રેટર લોસ એન્જલસ મેટ્રોપોલિટન એરિયામાં રમત માટે એક આઇકોનિક સ્ટેડિયમ બનાવશે.

બીજી બાજુ, જો આપણે ફિલ્મોને લઈને શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો તેની પાસે આ સમયે ત્રણ મોટા પ્રોજેક્ટ્સ છે. જેમાંથી એક યશ રાજ બેનરની ફિલ્મ ‘પઠાણ’ છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ સામેલ છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે. આ સિવાય તેની પાસે સાઉથ ડાયરેક્ટર એટલીની આગામી ફિલ્મ પણ છે. જેમાં તે સાન્યા મલ્હોત્રા અને નયનતારા સાથે જોવા મળશે. તાજેતરમાં શાહરૂખે તેના ત્રીજા પ્રોજેક્ટની પણ જાહેરાત કરી હતી. જે ફિલ્મમેકર રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મ ‘ડંકી’ છે.

Scroll to Top