સુરતના ગ્રીષ્મા હત્યાકાંડમાં આજે દોષિત ફેનીલને કોર્ટે સજા સંભળાવી છે. ગ્રીષ્માને આખરે ન્યાય મળ્યો છે. કોર્ટે આરોપી ફેનીલને ફાંસીની સજા સંભળાવી છે. નામદાર જજ વિમલ કે વ્યાસએ ફેનિલને આ સજા સંભળાવી છે. ચાર્જશીટના 70 દિવસ બાદ જ ચુકાદો આવ્યો છે.
આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે ફાંસીની સજા સાંભળતા જ ફેનીલ થર થર કાંપ્યો હતો. નામદાર જજે શ્લોકથી શરૂઆત કરી હતી. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરીને જજે કહ્યું કે, દંડ આપવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. 28 વર્ષમાં આવો પહેલો કેસ છે.
ઉલ્લેખનીય છે કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે કરપીણ હત્યા કરી હતી. જે મામલે ફેનિલ દોષિત જાહેર થયો છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં કહ્યું હતું કે હત્યા ઉશ્કેરાટમાં નહી પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. તો બચાવ પક્ષે દલીલો કરી હતી કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.