એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનો ભાઈ અનિલ અંબાણી સાથે સ્પેક્ટ્રમ વેચાણની ડીલ ફાઈનલ ન કરવાનો અને છેલ્લી ઘડીએ એરિક્સનને રકમ ચૂકવી નાના ભાઈને જેલ જતા બચાવી લેવાનો નિર્ણય તેમનો માસ્ટર સ્ટ્રોક છે, આ કારણે તેમના બિઝનેસને જબરદસ્ત ફાયદો થવાની શક્યતા છે. અનિલ અંબાણીને જેલમાં જતા રોકવા ઉપરાંત મુકેશ અંબાણીએ ભાઈની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનને દેવાળુ ફૂંકવાની દિશામાં ધક્કો માર્યો છે. હવે RCom દેવાળાની પ્રક્રિયા શરૂ કરશે ત્યારે મુકેશ અંબાણીને તેની કેટલીક એસેટ્સ ડિસ્કાઉન્ટ પર મળી શકશે.
સોમવારે છેલ્લી ઘડીએ મુકેશ અંબાણીએ તેમના નાના ભાઈ અનિલ અંબાણીને સ્વીડનની કંપની એરિક્સનને $80 મિલિયન ચૂકવી જેલમાંથી બચવામાં મદદ કરી હતી. એ જ દિવસે રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અને અનિલ અંબાણીની RCom 2017ની ડીલ ટર્મિનેટ કરી હતી. આ ડીલે જ અગાઉ અનિલ અંબાણીની કંપનીને દેવાળુ ફૂંકતા બચાવી હતી.
હવે એ ડીલ કેન્સલ થતા RCom દેવાળાની પ્રક્રિયા માટે કોર્ટમાં જશે. આ સાથે જ મુકેશ અંબાણીની જિયોને Rcomની એરવેવ્ઝ, ટાવર અને ફાઈબર ખરીદવાનો બીજો એક મોકો મળશે. વળી આ વખતે જિયો આ ચીજો રૂ. 17,3000 કરોડ કરતા ઓછામાં મળી જશે. જિયોએ અગાઉ 17,300 કરોડ ચૂકવીને RComની એસેટ્સ ખરીદવાની તૈયારી દર્શાવી હતી. જિયોએ Rcom સાથે આ ડીલ કેન્સલ ભલે કરી હોય પરંતુ દેવાળુ ફૂંક્યા બાદ કંપની આ એસેટ્સ વેચવા કાઢશે ત્યારે જિયો તેમાં ભાગ લઈ શકશે. અનિલ અંબાણીની RComના માથે હજુ પણ $7 બિલિયનનું દેવુ છે.
ટેલિકોમ સેક્ટરના નિષ્ણાંતો જણાવે છે, “અત્યારે એમ પણ ઈન્ડિયાના ટેલિકોમ સેક્ટરની હાલત ખરાબ છે. આ કારણે ઓક્શનની કિંમતો નીચી જ રહેશે.” જિયો હવે પહેલા કરતા ઓછા રૂપિયા ચૂકવીને RCom ની એસેટ્સ ખરીદી શકશે. જિયો ઉપરાંત એરટેલના ભારતી મિત્તલ અને બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે પણ આ એસેટ્સ ખરીદવામાં રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2016માં ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી મારીને રિલાયન્સ જિયોએ આ ક્ષેત્રનો ચહેરો જ બદલી નાંખ્યો છે. રિલાયન્સ જિયોને પગલે બીજી કંપનીઓએ પણ પોતાના ભાવ નીચા કરવા પડ્યા હતા.
દેવાળુ ફૂંકવાની પ્રક્રિયા મુજબ કોર્ટ દ્વારા નીમાયેલી પ્રોફેશનલ પેનલ RCom ની એસેટ્સ વેચાણની પ્રક્રિયા હાથ ધરશે. આ માટે કંપનીને રૂપિયા આપનારા 66 ટકા ક્રેડિટર્સની મંજૂરી જરૂરી છે. RCom ને રૂપિયા આપનારી બેન્કો થોડુ નુકસાન વેઠીને પણ પરવાનગી આપી દેશે તેવી નિષ્ણાંતોની ગણતરી છે. ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણીએ 2017માં કહ્યું હતું કે RCom નો દેવુ ઓછું કરવાનો પ્લાન ભારતની હિસ્ટ્રીમાં સૌથી મોટો પ્લાન હશે. પરંતુ ગણતરી મુજબ કશુંય ન થયું. સુપ્રીમ કોર્ટે RCom પાસે પૈસા માંગતી બેન્કોની ઝાટકણી કાઢતા કહ્યું હતું, “તાળી બે હાથે વાગે છે. આ તમારી પણ નિષ્ફળતા છે, તમે એવું ન કહી શકો કે માત્ર RCom નિષ્ફળ ગઈ છે.”