ભારતમાં આજે પણ જો કોઇ બિલાડી કોઇના રસ્તામાં આવી જાય તો તેને અપશુકનિયાળ માનવામાં આવે છે અને કોઇ સારા કામમાં જતું વ્યક્તિ તરજ જ સાત પગલા પાછા જઇ થોડા સમય માટે થોભી જાય છે. પણ આજની એક ઘટનામાં તો બીલાડીના કારણે એક માસુમ બાળકીનું આખું જીવન જ બની ગયું છે. અપશુકનિયાળ ગણાતી બીલાડીના અવાજથી જ એક માસુમ બાળકી પર દુષ્કર્મનો ભોગ બનતા બચી ગઇ છે.
સુરતમાં એક બિલાડીના રડવાના અવાજે 13 વર્ષની બાળકીને દુષ્કર્મનો ભોગ બનતા ઉગારી લીધી હતી. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને તે નરાધમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન GIDC વિસ્તારમાં પરપ્રાંતિય પરિવારની મહિલા ચાર દિવસ અગાઉ પરિવાર સાથે નજીકમાં રહેતી બહેનના ઘરે જમવા ગઇ હતી. જ્યાંથી પતિ નોકરી પર જવા નીકળી ગયો હતો. મહિલા તેની પુત્રી અને બહેનની દીકરી સાથે ઘાબા પર ઊંઘી રહ્યા હતા. તે દરમિયાનમાં મોડી રાત્રે આસપાસમાં બિલાડીના રડવાનો અવાજ આવતા દીકરીની માતા અચાનક જાગી ગઇ હતી અને ત્યાં એક દીકરી બાજુમાં જોતા ગાયબ હતી. જેથી મહિલાએ દીકરીની ક્યાં છે તેવો અવાજ આપ્યો હતો જેથી બીજી દીકરીએ કહ્યું કે મારે પાણી પીવું હોવાથી પાણી લેવા ગઇ છે પરંતુ આવી નથી.
આજુબાજુમાં શોધતા મહિલાની દીકરી ગાયબ હતી અને તેને શોધવા માટે આસપાસના લોકો પણ જાગી ગયા હતા. આ દરમિયાન ઘર નજીક પાણીના પ્લાન્ટમાંથી તેની દીકરીનો અવાજ આવતા લોકો ત્યાં દોડી ગયા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો કોઇએ ખોલ્યો ન હતો. જેથી લોકોએ પાણીના પ્લાન્ટના ધાબા પરથી અંદર જઇ માસુમને બચાવી હતી અને હવસખોર નરાધમને પકડી પાડ્યો હતો.
આ દરમિયાન 13 વર્ષીય માસુમ સગીરાએ જણાવ્યું હતું કે, પાણી લેવા ધાબા પરથી નીચે ઉતરી ત્યારે અમન ઘરના આંગણામાં ઉભો હતો અને હાથ પકડીને પ્લાન્ટમાં લઇ જઇ નિર્વસ્ત્ર કરી બિભત્સ હરકતો કરી હતી અને મોઢું દબાવી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે એક બિલાડી ના કારણે આ બાળકી હવસખોરના હાથમાંથી બચી ગઇ હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.