કર્ણાટકમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા “શ્રીરંગપટના ચલો” ના એલાનને પગલે શનિવારે શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અહીં વિશ્વ હિન્દુ પરિષદે જામા મસ્જિદમાં પ્રવેશ કરીને પૂજા કરવાની જાહેરાત કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે VHPની જાહેરાતને ધ્યાનમાં રાખીને શહેરમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે.
ખરેખરમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદની આગ અન્ય રાજ્યો સુધી પહોંચી છે. કર્ણાટકના શ્રીરંગપટના સ્થિત જામા મસ્જિદને લઈને વિવાદ ઉભો થયો છે. વિશ્વ હિન્દુ પરિષદનો દાવો છે કે અહીં એક મંદિર હતું, જેને ટીપુ સુલતાન દ્વારા તોડીને મસ્જિદ બનાવી હતી. હવે VHPએ જામા મસ્જિદમાં પ્રવેશ કરીને પૂજા કરવાની જાહેરાત કરી છે.
500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
VHPના પ્રદર્શન માટે શ્રીરંગપટના શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એસપી યતિશે જણાવ્યું કે, 500થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને ચાર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે રૂટ માર્ચ પણ કાઢી હતી. મંડ્યાના એસપીએ કહ્યું કે, આજે શ્રીરંગપટના નગર પંચાયત હદમાં કોઈ રેલી કે પ્રદર્શનની મંજૂરી નથી. અમે શહેરમાં અને તેની આસપાસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.
મસ્જિદ રોડ બંધ
VHPના એલાન બાદ મસ્જિદ રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર અશ્વતિ એસએ કહ્યું કે આજે લોકોને મસ્જિદમાં પ્રવેશવાની મંજૂરી નથી. સાપ્તાહિક બજાર પણ બંધ છે. સાથે જ પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.