મધ્યપ્રદેશના સાગર પાસેના મઝગુવાન ગામમાં એક યુવકે તેની પિતરાઈ બહેનની ચિતા પર સૂઈને આત્મહત્યા કરી લીધી. કૂવામાં પડી જતાં તેની બહેનનું મોત થયું હતું. આ મામલામાં ચોંકાવનારી વાત એ હતી કે તેને તેની બહેનના મૃત્યુના સમાચાર મળતા જ તે 430 કિમી દૂર ધારથી સીધો સ્મશાન પર પહોંચી ગયો હતો. ત્યાં જઈને તે સળગતી ચિતાને પ્રણામ કરીને તેના પર સૂઈ ગયો હતો. દાઝી જવાના કારણે હોસ્પિટલ લઇ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.
બહેન ગુમ હતી
આપઘાત કરનાર યુવકની બહેન જ્યોતિ ઉર્ફે પ્રીતિ ડાંગી વાડીએ ગઈ હતી, પરંતુ ઘણો સમય વીતી જવા છતાં પરત આવી ન હતી. ઘટના વિશે માહિતી આપતા તેના ભાઈ શેર સિંહે જણાવ્યું કે તે ખેતરમાં શાકભાજી વાવે છે. જ્યોતિ સાંજે શાકભાજી લેવા ગઇ હતી. ઘણો સમય વીતી ગયો અને તે પરત ન ફરી, ત્યારબાદ તેની શોધખોળ શરૂ કરવામાં આવી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બીજા દિવસે જ્યોતિના પિતા ભોલે ખેતરે ગયા હતા. તેમને શંકા હતી કે દીકરી જ્યોતિ કૂવામાં પડી હતી. આ પછી કૂવામાં મોટર મૂકીને પાણી ખાલી કરવામાં આવ્યું હતું. બે કલાક બાદ 11 વાગે કુવામાં જ્યોતિના કપડા જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
બાઇક પરથી આવીને ચિતામાં સૂઈ ગયો
પોલીસે જ્યોતિની લાશને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ વાતની જાણ ધારમાં રહેતા તેના પિતરાઈ ભાઈ કરણ ઠાકુરને થતાં તે બાઇક પર સાગર જવા નીકળ્યો હતો. બહેરિયા પોલીસ સ્ટેશનના પ્રભારી દિવ્ય પ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ જ્યોતિનો મૃતદેહ શુક્રવારે સાંજે પરિવારને સોંપવામાં આવ્યો. આ પછી પરિવારે ગામ નજીકના સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા અને સાંજે 6 વાગ્યે ગામના તમામ લોકો ઘરે પરત ફર્યા. ત્યાં સુધી કરણ ઠાકુર ત્યાં પહોંચ્યો ન હતો. ગ્રામજનોએ જોતાની સાથે જ સંબંધીઓને જાણ કરી હતી. પરિવાર સ્મશાનગૃહ પહોંચ્યો ત્યાં સુધીમાં 21 વર્ષીય કરણનો મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયો હતો, તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં તેનું મોત થઈ ગયું હતું.
બહેનની ચિતા પાસે અંતિમ સંસ્કાર
કરણના મૃત્યુ બાદ કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસે તેનો મૃતદેહ સંબંધીઓને સોંપ્યો હતો. રાત્રે જ્યારે કરણના માતા-પિતા મઝગુવાન ગામ પહોંચ્યા, ત્યારે તેમની હાજરીમાં બહેન જ્યોતિની ચિતા પાસે રવિવારે સવારે કરણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોલીસનું કહેવું છે કે બંને કેસમાં કેસ દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે. આ પછી પોલીસ કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની વાત કરી રહી છે.