પ્રેમ આંધળો હોય છે અને આ પ્રેમમાં અંધ બનેલા કેટલાક લોકો સંબંધોની હત્યા કરવામાં પણ પોતાના પગ પાછા ખેંચતા નથી. ઘણી વખત તો પ્રેમમાં અંધ બનેલી મહિલાઓ પોતાના પરિવારનું જરા પણ વિચાર્યા વિના એવા કારનામા કરી દેખાડે છે કે સમાજમાં તેમના વિશે ચર્ચાનો એક અલગ જ અધ્યાય શરૂ થઇ જાય છે ત્યારે સંસ્કાર નગરી વડોદરાની એક ઘટના હાલમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. જ્યાં એક માતાએ પોતાની જ દીકરી પર ઉપરાછાપરી છરીના 20 ઘા ઝીંકી દીધા છે.
આ ભયાનક બનાવ મંગળવારે બન્યો હતો. મહિલાની સગીર દીકરી ધોરણ-8માં અભ્યાસ કરી છે. હાલ તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરલામાં આવી છે. મહિલાએ પ્રેમમાં અંધ થઇ પોતાની સગીર દીકરી પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી નાંખી હતી.
હુમલા પાછળનું કારણ મહિલાને તેનો પ્રેમ ગુમાવવાનો ડર હતો. મહિલાને આશંકા હતી કે તેના પ્રેમી જોડે તેની દીકરીને પ્રેમ સંબંધ બંધાયો છે. આથી ગુસ્સામાં આવીને મહિલાએ તેની જ દીકરીને છરીના 20 ઘા ઝીંકી દીધા હતા.
મહિલાને જે યુવક સાથે પ્રેમ થયો છે તે હાલ દુબઈમાં હોવાની ચર્ચા છે. આ ઉપરાંત તે તેનાથી 10 વર્ષ નાનો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આરોપી મહિલા મોડેલિંગનું કામ કરે છે તેમજ વેબ સિરિઝમાં અભિનેત્રી તરીકે કામ કરતી હોવાની પણ વિગત મળી રહી છે. આરોપી માતાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા છે. જે બાદમાં તે પોતાની પુત્રી સાથે રહેતી હતી. પરંતુ બાદમાં મહિલાને પ્રેમી મળી ગયો હતો પરંતુ માતા અને પ્રેમી વચ્ચે દીકરી આવી ગઇ હોવાની શંકામાં તેણે પોતાની જ દીકરી પર હુમલો કર્યો હતો અને બાદમાં પોલીસને ફોન કર્યો હતો અને પોલીસને જાણકારી આપી હતી કે તેણે પોતાની દીકરીની હત્યા કરી નાંખી છે.
આમ પ્રેમમાં અંધ માતાએ એક કોરી શંકામાં આવી દીકરી સાથે ઝઘડો કર્યા બાદ તેને ચાકુના 20 જેટલા ઘા માર્યા હતા અને હોસ્પિટલ ભેગી કરી દીધી હતી.