ઉત્તર પ્રદેશના કાનપુરમાં હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં નહાતી યુવતીનો વીડિયો બનાવવો યુવકને એટલો ભારે પડ્યો કે તેણે જીવ આપીને કિંમત ચૂકવવી પડી. યુવતીના ભાઈએ તેના મિત્ર સાથે મળી યુવકની કુહાડી વડે હત્યા કરી હતી. વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપી યુવતીના ભાઈ પાસે દારૂના પૈસા માંગતો હતો. પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરી લીધી છે.
તારાચંદનો મૃતદેહ બુધવારે સવારે કાનપુરના ચૌબેપુર વિસ્તારમાં એક ખેતરમાંથી મળી આવ્યો હતો. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો જાણવા મળ્યું કે મૃતક મહારાજપુરનો રહેવાસી છે. એક દિવસ પહેલા તે ચૌબેપુરના રહેવાસી હર્ષિત સાથે જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે હર્ષિતની કડક પૂછપરછ કરી તો તેણે બધી વાત કહી હતી. પોલીસે હત્યાના આરોપમાં તેના મિત્ર શોભિતની પણ ધરપકડ કરી છે.
હર્ષિતે પોલીસને જણાવ્યું કે, થોડા દિવસ પહેલા મારો જન્મદિવસ હતો. તારાચંદ મારી માસીનો દીકરો હતા એટલે એને પણ બોલાવ્યો હતો. જન્મદિવસના બીજા દિવસે તારાચંદે મારી બહેન નહાતી હોવાનો વીડિયો બનાવ્યો હતો. તેણે મારી પાસે વીડિયો ડિલીટ કરવાના નામે દારૂના પૈસા માંગ્યા હતા. મારી બહેનનો વીડિયો જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું હતું. મેં પહેલા 200 રૂપિયામાં કુહાડી ખરીદી હતી, પછી તેને દારૂ પીવડાવ્યો હતો. મંગળવારે મંદિરમાં હનુમાનજીનો ઉત્સવ હતો. મંદિર જવાના બહાને તેને લઈ ગયો અને મિત્ર શોભિત સાથે મળીને તેને રહેંસીને તેની લાશ ફેંકી દીધી હતી.
આ મામલે કાનપુરના એસપી તેજ સ્વરૂપ સિંહનું કહેવું છે કે પોલીસે હત્યામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી છે. હર્ષિતે અદાવતમાં તેની હત્યા કરી છે. છેડતીના કેસની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.