23 વર્ષની છોકરીને મળી આટલી નોકરીઓ, 22 જગ્યાએ તો રાજીનામું આપ્યું!

માત્ર 23 વર્ષની ઉંમરે એક છોકરીએ 23 અલગ-અલગ નોકરી કરી છે. વર્સેટિલિટીથી સમૃદ્ધ આ છોકરી ક્યારેક આઈસ્ક્રીમ વેચતી અને ક્યારેક બેકર (કેક, બ્રેડ વગેરે) તરીકે કામ કરતી. હવે તેણે પોતાનો એક બિઝનેસ શરૂ કર્યો છે.

‘ધ મિરર’ અનુસાર આ છોકરીનું નામ અનાસ્તાસિયા સેચેટ્ટો છે અને તે લંડન સ્થિત માર્કેટિંગ એજન્સી Ace Influencersની સીઇઓ અને સ્થાપક છે. આ કામ શરૂ કરતા પહેલા અનાસ્તાસિયા 22 અલગ-અલગ જગ્યાએ કામ કરી ચૂકી છે. તેણીએ બેકર, મોડેલ, સીઇઓ નિષ્ણાત, ફિટનેસ ટ્રેનર અને આઈસ્ક્રીમ વિક્રેતા તરીકે પણ કામ કર્યું છે.

માત્ર આટલું જ નહીં તે હોટલમાં વાસણ ધોવાનું અને વેઈટ્રેસનું કામ પણ કરતી હતી. રસપ્રદ વાત એ છે કે અનાસ્તાસિયાને ક્યારેય નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી ન હતી, તેણીએ જાતે જ નોકરી છોડી દીધી અને બીજી નોકરી લીધી. પરંતુ સોશિયલ મીડિયા મેનેજરની નોકરી અનાસ્તાસિયા માટે પોતાનો બિઝનેસ શરૂ કરવામાં ઘણી મદદરૂપ સાબિત થઈ.

અનાસ્તાસિયા 23 વર્ષની છે અને માને છે કે તેની સૌથી મોટી શક્તિ તેની વર્સેટિલિટી છે. અનાસ્તાસિયા એ પણ માને છે કે તેણીએ દરેક કામમાં શ્રેષ્ઠ ન કર્યું હોય, પરંતુ તેણીએ દરેક જગ્યાએ ઘણું શીખ્યું છે.

પોતાનો બિઝનેસ શરૂ કરનાર અનાસ્તાસિયા માત્ર 23 વર્ષની ઉંમરે એક કંપનીની સીઈઓ બની ગઈ છે. હવે તે લોકોને તેના જીવનના અનુભવો જણાવે છે અને બિઝનેસ કે નોકરીમાં આગળ વધવા માટેની ટિપ્સ આપે છે. એનાસ્તાસિયા કહે છે- 16 વર્ષની ઉંમરે જ્યારે હું સંપૂર્ણપણે બિનઅનુભવી હતી, ત્યારે મેં બેકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

તેણે કહ્યું કે આ કામ ઘણું મુશ્કેલ હતું અને મેં ત્યાં ઘણી ગડબડ કરી. પછી ડીશવોશર અને વેઇટ્રેસ તરીકે કામ કર્યું. આ બધી અઘરી નોકરીઓએ મને શિસ્ત શીખવી અને હું આ નોકરી કરનારા લોકોનો આદર કરું છું. અનાસ્તાસિયાના જણાવ્યા અનુસાર, તે બધા કામમાંથી કંઈક શીખી છે. એ પછી પોતાનું કામ શરૂ કર્યું. તેણી કહે છે કે તેણી પોતાના વ્યવસાયમાં ભૂતકાળમાં કરેલા કામનો લાભ મેળવી રહી છે. અંગ્રેજી, રશિયન, ડચ અને ઇટાલિયન એમ ચાર ભાષાઓ બોલતી અનાસ્તાસિયાએ થોડા સમય માટે અભિનય અને મોડેલિંગમાં પણ હાથ અજમાવ્યો.

એનાસ્તાસિયા કહે છે – હું ફાસ્ટ લર્નર છોકરી છું. હું વેબસાઈટ અને યુટ્યુબ પરથી શીખવાનો પ્રયત્ન કરું છું. 23 વર્ષની ઉંમર સુધીમાં જ્યારે મને સમજાયું કે હું મારું પોતાનું કામ શરૂ કરી શકું છું, ત્યારે મેં માર્કેટિંગ એજન્સી શરૂ કરી. તેણી કહે છે- મને લાગે છે કે તમારે તમારા હૃદયને અનુસરવું જોઈએ, જો તમને લાગે છે કે કંઈક તમારા માટે નથી તો બીજું કંઈક અજમાવવામાં ડરશો નહીં. તમારા સપના પૂરા કરો.

Scroll to Top