ગુજરાતના વિકાસના પ્રતિક સમાન દહેજ-ઘોઘા વચ્ચેની ફેરી સર્વિસને ફરી એક વાર ગ્રહણ લાગ્યું છે. આ ફેરી સર્વિસ ફરી એક વાર ઠપ્પ થઈ ગઈ છે. થોડા મહિના પહેલાં ફેરી સર્વિસની શીપના એન્જિન સુધી કચરો પહોંચી જતા તેને ઠપ્પ કરવામાં આવી હતી.
જોકે, આ વખતે ફેરી સર્વિસ બંધ થવાનું કારણ ટેકનિકલ નથી પરંતુ ટિકિટનું કૌભાંડ હોવાનું જાણવા મળ્યું છે. ‘દિવ્ય ભાસ્કર’ ના અહેવાલ મુજબ, રો-રો ફેરી સર્વિસના મુખ્ય બૂકિંગ એજન્ટ દ્વારા સોફ્ટવેરમાં ગોટાળા કરી અને ગ્રાહકો પાસેથી નિયત દરથી વધુ નાણા વસૂલવામાં આવતા હોવાનું જાણવામાં આવતા ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે.
ફેરી ઓપરેટ ડી.જી. કનેક્ટ ભાવનગરની તન્ના ટ્રાવેલ્સને બૂકિંગ માટે મેઇન એજન્સી આપવામાં આવી હતી જેમાં તેમણે થોડા પેટા એજન્ટી નિમણૂક કરી હતી. સોફ્ટવેરમાં ફેરફાર કરી આ એજન્ટોએ ફેરી સર્વિસ જેવી ટિકિટ બનાવી અને નિયત ટિકિટથી વધુ નાણા ઉઘરાવ્યા હોવાથી ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે.
અહેવાલમાં વધુમાં ટાંક્યા મુજબ, ઓપરેટરે એવી હૈયા ધારણા આપી છે કે આગામી 8 મી એપ્રિલથી પુન: ફેરી સર્વિસ કાર્યાન્વિત થઈ જશે. ફેરી ઓપરેટર દ્વારા સુરત, રાજુલા, અમરેલીમાં નવા એજન્ટો નીમવા માટેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.