પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકારે મફત વીજળીના તેના સૌથી મોટા ચૂંટણી વચનો માંથી એક વચનને પૂર્ણ કર્યું છે. ભગવંત માન સરકારે 1 જુલાઈથી પંજાબના લોકોને દર મહિને 300 યુનિટ મફત વીજળી નો લાભ આપવાનું શરૂ કર્યું છે. એપ્રિલ 2022 માં, ખુરશી સંભાળ્યાના થોડા દિવસો પછી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી હતી કે અમારી સરકાર જુલાઈ 2022 ની પહેલી તારીખથી પંજાબના લોકોને મફત વીજળીની સુવિધા આપશે.
ગયા વર્ષે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબની જનતાને પહેલી ગેરંટી આપી હતી કે જો રાજ્યમાં પાર્ટીની સરકાર બનશે તો અમે સામાન્ય લોકોની સુવિધા માટે 300 યુનિટ સુધી વીજળી મફત આપીશું. કેજરીવાલે કહ્યું હતું કે અમારી સરકાર પંજાબના લોકોને મોંઘી વીજળી અને વીજળીના મોટા મોટા બિલોમાંથી મુક્ત કરશે.
પંજાબમાં વીજળી મફત થયા બાદ મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, “પહેલાની સરકારો ચૂંટણી વખતે વચનો આપતી હતી, પરંતુ વચનો પૂરા થતાં પાંચ વર્ષ વીતી જતા હતા, તેમ છતાં તે પૂરા નતા થતા. અમારી સરકારે પંજાબના ઈતિહાસમાં આજે એક નવી મિસાલ કાયમ કરી છે. આજે આપણે પંજાબીઓને આપેલી વધુ એક ગેરંટી પૂરી કરવા જઈ રહ્યા છીએ. મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજથી પંજાબના દરેક પરિવારને દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં મળશે.”
મુખ્યમંત્રી માને લોકોની વધુ એક શંકા દૂર કરી અને કહ્યું કે 31 ડિસેમ્બર સુધીના તમામ જૂના વીજ બિલો માફ કરવામાં આવશે, પછી ભલે ગમે તેટલા કિલોવોટ લોડ હોય. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ એવી અફવા ફેલાવી હતી કે માત્ર 2 kW સુધીના બિલ માફ કરવામાં આવશે. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી. સરકાર ડિસેમ્બર સુધીના તમામ જૂના બિલ માફ કરશે.
આમ આદમી પાર્ટી જે કહે છે તે કરે છે, પંજાબના લોકોને પણ મોંઘી વીજળીથી છુટકારો મળશેઃ અરવિંદ કેજરીવાલ
‘આપ’ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને તેમની સરકારના વખાણ કર્યા અને કહ્યું, “પંજાબના લોકોને અભિનંદન! આજથી પંજાબના લોકોને દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં મળશે. લાખો પરિવારો પાસે હવે દર મહિને વીજળીનું બિલ શૂન્ય આવશે. અમે અમારું વચન પૂરું કર્યું છે. આમ આદમી પાર્ટી જે કહે છે તે કરે છે. પંજાબના લોકોને પણ હવે મોંઘી વીજળીથી છુટકારો મળશે.”
કેજરીવાલની પ્રથમ ગેરંટી હવે વાસ્તવિકતા બની ગઈ છેઃ રાઘવ ચઢ્ઢા
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે કારણ કે પંજાબ હવે મફત વીજળી મેળવનાર દિલ્હી પછી દેશ નું બીજું રાજ્ય બની ગયું છે. આજે “કેજરીવાલ દી પહેલી ગેરંટી” પંજાબીઓ માટે વાસ્તવિકતા બની ગઈ છે.