અફઘાનિસ્તાનમાં દરરોજ એક કે બે મહિલાઓ આત્મહત્યા કરે છે. અફઘાન સંસદના પૂર્વ ડેપ્યુટી સ્પીકરે આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે તકનો અભાવ અને ખરાબ માનસિક સ્વાસ્થ્ય અફઘાન મહિલાઓ પર અસર કરી રહ્યું છે. જિનીવામાં માનવ અધિકાર પરિષદ (HRC)માં મહિલા અધિકારોના મુદ્દા પર ચર્ચા દરમિયાન આ વાત સામે આવી છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા પછી મહિલાઓના અધિકારોની સ્થિતિ અંગે ચર્ચા કરવા HRCની બેઠક મળી છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે અફઘાન મહિલાઓ દાયકાઓમાં તેમના અધિકારોના સૌથી મોટા ઉલ્લંઘનની સાક્ષી છે. અફઘાન સંસદના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર ફોઝિયા કુફીએ જણાવ્યું હતું કે “દરરોજ ઓછામાં ઓછી એક કે બે મહિલાઓ તકના અભાવ અને માનસિક સ્વાસ્થ્ય પર દબાણને કારણે આત્મહત્યા કરે છે”. 9 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માત્ર આર્થિક દબાણને કારણે જ નહીં, પરંતુ તેમના માટે કોઈ આશા બાકી ન હોવાને કારણે પણ વેચાઈ રહી છે. આ સામાન્ય નથી અને અફઘાનિસ્તાનની મહિલાઓ આ બધું સહન કરવા માટે ત્યાં નથી.
યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ (યુએનએચઆરસી) ના પ્રમુખ મિશેલ બેચેલેટે અફઘાન મહિલાઓની ઉચ્ચ બેરોજગારી, તેમના પહેરવેશ પરના નિયંત્રણો અને મૂળભૂત સેવાઓની ઍક્સેસમાં અવરોધોની સખત નિંદા કરી છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2021માં તાલિબાને સત્તા સંભાળ્યા બાદ મહિલાઓની માલિકીના વ્યવસાયો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. બેચેલેટ જણાવે છે કે 1.2 મિલિયન છોકરીઓને હવે માધ્યમિક શિક્ષણની ઍક્સેસ નથી.
તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પહેલાથી જ એક ઈસ્લામિક દેશ હતો, પરંતુ તાલિબાન દ્વારા સત્તા સંભાળ્યા બાદ આ દેશ વધુ ઈસ્લામિક બની ગયો છે. આવી સ્થિતિમાં મહિલાઓને પુરૂષો સાથે પાર્કમાં જવા, તેમની સાથે રેસ્ટોરાંમાં ભોજન ખાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, સાથે જ છોકરીઓના શિક્ષણનો અધિકાર પણ ઘણી હદ સુધી ખતમ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ત્યાંની મહિલાઓ પિંજરામાં કેદ લાચાર પક્ષી જેવી લાગણી અનુભવી રહી છે અને આ તેમની આત્મહત્યાનું એક મોટું કારણ છે. પરંતુ વિશ્વભરના મુસ્લિમ દેશો આ અંગે મૌન સેવી રહ્યા છે અને મુસ્લિમ મહિલાઓના મોતને મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે.