મહિમા ચૌધરીનું ફિલ્મી કરિયર આવી રીતે પડી ભાંગ્યું, ચહેરા પરથી કાચના 67 ટુકડા કાઢયા

થોડા દિવસો પહેલા બોલિવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધરીએ કહ્યું હતું કે તે બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. પરદેસ ફિલ્મથી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી મહિમા ચૌધરી ન માત્ર તેની બબલી એક્ટિંગ માટે ફેમસ હતી પરંતુ લોકો તેની સુંદરતાના દીવાના પણ હતા. મહિમા ચૌધરી ઘણા સમયથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને ગ્લેમર વર્લ્ડથી દૂર છે. હાલમાં જ તેનો એક વીડિયો બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં મહિમા ચૌધરી કહી રહી છે કે કેવી રીતે અનુપમ ખેરે એક પ્રોજેક્ટ માટે તેનો સંપર્ક કર્યો અને પછી તેણે તેને પોતાની બીમારી વિશે જણાવ્યું.

આ વીડિયોમાં મહિમા વાત કરતી વખતે ખૂબ જ ભાવુક દેખાઈ રહી છે. ત્યાં જ અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં મહિમા ચૌધરીને કેન્સર સામે લડતી ‘હીરો’ ગણાવી છે. તમને જણાવી દઈએ કે કઈ ઘટનાના કારણે મહિમા ચૌધરીની ફિલ્મી કરિયર બરબાદ થઈ ગયું હતું.

મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો

અભિનેત્રી મહિમા ચૌધરીના ચહેરાને ભૂલવો સરળ નથી. તેમનો જન્મ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો. વર્ષ 1990માં તેણે અભ્યાસ છોડીને મોડલિંગ શરૂ કર્યું. મહિમા ચૌધરી પહેલીવાર પેપ્સીની કોમર્શિયલમાં ઐશ્વર્યા રાય સાથે જોવા મળી હતી. મહિમા ચૌધરીએ વર્ષ 1990માં જ મિસ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો. આ પછી બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક સુભાષ ઘાઈએ તેમને 1997માં આવેલી ફિલ્મ ‘પરદેસ’માં મોટો બ્રેક આપ્યો હતો. આ ફિલ્મથી જ મહિમા ચૌધરીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી.

મહિમા ચૌધરીના લગ્ન

મહિમા ચૌધરીએ વર્ષ 2006માં આર્કિટેક્ટ બિઝનેસ બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નથી તેમને એક પુત્રી છે જેનું નામ એરિયાના છે. પરસ્પર મતભેદોને કારણે મહિમા વર્ષ 2013માં તેના પતિ બોબી મુખર્જીથી અલગ થઈ ગઈ હતી. મહિમાએ બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે ઘણીવાર બોબી સાથે ઘણી બધી બાબતોને લઈને દલીલ કરતી હતી. તે લગ્નમાં બિલકુલ ખુશ ન હતી. મહિમાએ એમ પણ કહ્યું હતું કે તેના પતિએ મુશ્કેલ દિવસોમાં તેનો સાથ આપ્યો ન હતો. મહિમા તેની પુત્રી એરિયાના સાથે અલગ રહે છે. છૂટાછેડા પછી મહિમાએ બોલિવૂડમાં કમબેક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એક અકસ્માતે તેની કારકિર્દી બરબાદ કરી દીધી.

આ કારણે કરિયર બરબાદ થઈ ગયું

મહિમાએ બીબીસીને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે કાર અકસ્માતે તેને શારીરિક અને માનસિક રીતે બદલી નાખી હતી. તે દિવસોમાં મહિમા ચૌધરી અજય દેવગન અને કાજોલની 1999ની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘દિલ ક્યા કરે’માં બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક પ્રકાશ ઝા સાથે કામ કરી રહી હતી. તે દરમિયાન તેનું શૂટિંગ બેંગ્લોરમાં ચાલી રહ્યું હતું. એક દિવસ તે શૂટિંગ માટે જઈ રહી હતી ત્યારે એક ટ્રકે તેની કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કાચ તુટી ગયો હતો અને તેનો ચહેરો પણ લોહીલુહાણ થઇ ગયો હતો. તે સમયે મહિમાની હાલત એવી હતી કે તેનો જીવ કદાચ બચી ન શકે.

ચહેરા પરથી કાચના 67 ટુકડા દૂર કરવામાં આવ્યા હતા

મહિમાએ પોતાના ઈન્ટરવ્યુમાં આ દુર્ઘટના વિશે વાત કરતા કહ્યું હતું કે તે પછી તે કોઈ રીતે હોસ્પિટલ પહોંચવામાં સફળ રહી કારણ કે કોઈ તેને હોસ્પિટલ લઈ રહ્યું ન હતું. હોસ્પિટલ પહોંચ્યા બાદ તેની માતા અને અજય દેવગન તેને મળવા પહોંચ્યા હતા. અકસ્માત બાદ જ્યારે તેણે પહેલીવાર અરીસામાં પોતાનો ચહેરો જોયો ત્યારે તેના હોશ ઉડી ગયા. તેના આખા ચહેરા પર માત્ર ટાંકા જ દેખાતા હતા. ડૉક્ટરે તેની સર્જરી કરી અને તેના ચહેરા પરથી કાચના 67 ટુકડા કાઢ્યા હતા.

Scroll to Top