આસામના નાગાંવ જિલ્લાના એક ગામમાં ‘કાંગારૂ અદાલત’ (ગેરકાયદેસર અદાલત) દ્વારા ચુકાદો સંભળાવ્યા બાદ એક વ્યક્તિને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આ વ્યક્તિ પર એક મહિલાની હત્યાનો આરોપ હતો. પોલીસ અધિક્ષક લીના ડોલેએ જણાવ્યું હતું કે, 35 વર્ષીય રણજીત બોરદોલોઈને આગ લગાડવા બદલ પોલીસે ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે સમગુડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બોરલાલુનગાંવ અને બ્રહ્મપુર બામુનીમાં બની હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા તળાવમાંથી 22 વર્ષીય મહિલાના મૃતદેહની રિકવરી અંગે જાહેર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જ્યારે અન્ય એક મહિલાએ દાવો કર્યો હતો કે તે હત્યાની પ્રત્યક્ષદર્શી છે. તેણે જણાવ્યું કે આ મહિલાએ કથિત રીતે બોરદોલોઈ સહિત પાંચ લોકોને મહિલાની હત્યા કરતા જોયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે ગ્રામીણોએ આરોપીને તેના ઘરેથી ખેંચીને એક ઝાડ સાથે બાંધી દીધો અને ત્યાર બાદ જાહેર સુનાવણી હાથ ધરવામાં આવી. “તે માણસને માર મારવામાં આવ્યો અને પછી તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો. જે બાદ ગ્રામજનોએ સળગેલી લાશને દાટી દીધી હતી.
બોરદોલોઈએ મહિલાની હત્યાની કબૂલાત કરી હતી. “ગામવાસીઓએ દાવો કર્યો હતો કે મેલીવિદ્યા કરતી વખતે પુરુષે મહિલાની હત્યા કરી હતી. તેથી તેઓએ તેને સમાન સજા આપવાનું નક્કી કર્યું.
કબર ખોદીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે તેમજ કેસની તપાસ ચાલી રહી છે. અધિકારીએ કહ્યું કે શાંતિ જાળવવા માટે વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.