વૃદ્ધ દર્દી સાથે નર્સે કર્યું એવું કૃત્ય કે પહોંચી ગઇ જેલ, નોકરીથી પણ ધોવા પડ્યા હાથ

હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીના આશરે ત્રણ લાખની નર્સે ચોરી કરી હતી. નર્સે પહેલા 84 વર્ષની મહિલાનું એટીએમ કાર્ડ ચોર્યું હતું અને પછી પૈસા ઉપાડીને ખરીદી કરવા ગઈ હતી. હવે મામલો બહાર આવતાં નર્સને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે. તેમજ તેને જેલની સજા પણ થઈ હતી.

ધ મિરરના અહેવાલ અનુસાર, વૃદ્ધ મહિલા ડિમેન્શિયાથી પીડિત હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન 57 વર્ષીય નર્સ ડોરોથી હોવેલે મહિલાનું એટીએમ કાર્ડ ચોરી લીધું અને તેના ખાતામાંથી 2 લાખ 83 હજારથી વધુ રૂપિયા ઉડાવી લીધા હતા. જે સમયે નર્સ ડોરોથીએ આ કામ કર્યું તે સમયે મહિલા દર્દી બેભાન અવસ્થામાં હતી.

બ્રિટનની રહેવાસી ડોરોથી હોવેલ રોયલ સ્ટોક હોસ્પિટલમાં કામ કરતી હતી. નવેમ્બર 2020માં દર્દીના એટીએમ કાર્ડમાંથી પૈસાની ચોરી કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. એટીએમમાંથી પૈસા ઉપાડવા અંગે દર્દીના સંબંધીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે બેંકનો સંપર્ક કર્યો હતો.

તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે મહિલા હોસ્પિટલમાં દાખલ હતી અને બેભાન અવસ્થામાં હતી ત્યારે તેના ATMમાંથી 12 ગણા પૈસા ઉપાડવામાં આવ્યા હતા.

જે બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે મહિલા દર્દીના ખાતામાંથી કુલ 2 લાખ 83 હજાર રૂપિયાથી વધુ ઉપાડી લેવાયા હતા. આ કેસમાં કોર્ટે નર્સને 10 મહિનાની જેલની સજા સંભળાવી હતી, જ્યારે હોસ્પિટલે નર્સને નોકરીમાંથી કાઢી મૂકી હતી.

Scroll to Top