સુરતમાં ટ્યુશન કલાસીસ માં લાગી આગ, 17 ના મોત, જીવ બચાવવા બાળકોએ લગાવી છલાંગ જુવો તસવીરો

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં આવેલા કલાસમાં પ્રચંડ આગ ફાટી નીકળી હતી. જેથી વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતાં. ફસાયેલા વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી હતી. જેમાં ચારના મોત નીપજ્યાં હતાં. જ્યારે આગના કારણે અંદર અન્ય વિદ્યાર્થીઓના ભડથા થઈ ગયાં હતાં. કુલ 17 ના મોત નીપજ્યાં હતાં. જ્યારે સાતેક ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આ દુર્ઘટના અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરી ટ્વિટ કર્યું કે, સુરતમાં થયેલી ઘટનાને લઈ ખૂબ જ દુઃખી છું, હું શોકાતુર પરિવારની સાથે છું, ઈજાગ્રસ્તો તુરંત સાજા થઈ જાયા એવી કામના. ગુજરાત સરકાર અને સ્થાનિક સાથે વાત કરી છે અને બને એટલી તાત્કાલિક મદદ પહોંચાડવા કહ્યું છે.

મેજર કોલ જાહેર કરી દેવાયો

આગ બેકાબુ રીતે ભીષણ બનતાં મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેથી આસપાસના અન્ય ફાયર સ્ટેશનના ટેન્કર સહિતની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી આવી રહી છે.

ક્લાસીસમાંથી બાળકો નીચે કુદી ગયા

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તક્ષશિલા આર્કેડમાં ઉપરના માળે ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનર ક્લાસીસ ચાલતાં હતાં. આગ લાગ્યા બાદ ઘણા બાળકોને રસ્તો ન મળતાં અથવા તો મૂંજવણ ભરી સ્થિતીમાં મુકાઈ જતાં બાળકોએ ઉપરથી નીચે કુદકા લગાવી દીધા હતાં. જેથી ઉપરથી કુદનારાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે સ્મિમેર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

બ્રીજ પર થંભી ગયો ટ્રાફિક

સરથાણા પ્રાણી સંગ્રહાલય સામે આવેલા ઓવરબ્રીજ પરથી પસાર થતાં લોકોએ રસ્તા પર વાહનો થંભાવી દઈને આગની ઘટના જોવાની સાથે કેમેરામાં કેદ કરવા લાગ્યા હતાં. સોશિયલ મીડિયામાં આગની સમગ્ર ઘટનાને પગલે હાહાકાર મચી ગયો.

શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

બીજા માળે આવેલા ક્લાસીસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે. આગ લાગ્યા બાદ આગ થોડી જ ક્ષણોમાં પ્રચંડ બની ગઈ હતી.જેથી ડરના માર્યા બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી.

માતા-પિતાનું ઘટના સ્થળે આક્રંદ

તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે ફસાયેલા બાળકોના માતા-પિતા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ઘટના સ્થળે પહોંચેલા માતા પિતાએ પોતાનું સંતાન અંદર આગમાં ફસાયું હોવાથી ભારે આક્રંદ કર્યું હતું.

108માં ઈજાગ્રસ્તોને ખસેડાયાં

આગના પગલે 108 ની એમ્બ્યુલન્સ મારફતે પાંચ ઈજાગ્રસ્ત છોકરીઓને કાપોદ્રા સ્થિત પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી એક યુવતીને માથામાં ગંભીર ઈજા હોવાથી સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે ચાર છોકરીઓ દાઝી ગઈ હોવાથી ત્યાં જ સારવાર આપવામાં આવી રહી છે.સ્પાર્કલ ખાનગી હોસ્પિટલમાં બેનાં મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે કુલ 17ના મોત નીપજ્યાં હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

તપાસ થશે કુમાર કાનાણી

આરોગ્ય મંત્રી કુમાર કાનાણી આગની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, દુર્ઘટનાની તપાસ થશે. જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. હાલ ઈજાગ્રસ્તોને સારી સારવાર મળે તે અંગે કામ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગની દૂર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરીને સૂચનાઓ આપી છે.મુખ્યમંત્રીએ આ આગ લાગવાની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સુચવ્યું છે. મુખ્યમંત્રીએ આ આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂ. 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.

જેમાં આગ લાગ્યા બાદ ઘણા લોકોએ જીવ બચાવવા ઉપરથી નીચે છલાંગ લગાવી હતી. જેથી છલાંગ લગાવનારાઓને ઘણી ઈજાઓ પહોંચી છે. ત્યારે તે તમામ લોકોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા..આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top