મોદી સરકારે પોતાના સાડાત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન આ વર્ષના ઓક્ટોબર સુધીમાં જાહેરાતો પાછળ આશરે 3,755 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. RTI દ્વારા મેળવવામાં આવેલી માહિતીમાં શુક્રવારે આ ખુલાસો થયો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે આરટીઆઈના એક જવાબમાં જણાવાયું છે કે, “ઈલેક્ટ્રોનિક, પ્રિન્ટ મીડિયા અને બહારી (આઉટડોર) જાહેરાતો અંગે એપ્રિલ 2014 થી ઓક્ટોબર 2017 સુધીમાં ખર્ચ કરવામાં આવેલી રકમ આશરે 3,755 કરોડ રૂપિયા થાય છે.” આ આરટીઆઈ નોઈડાના એક આરટીઆઈ કાર્યકર્તા રામવીર તંવર દ્વારા કરવામાં આવેલી આરટીઆઇના જવાબમા માહિતી અને પ્રસારણ મંત્રાલય જણાવ્યું હતું.
સરકાર દ્વારા એપ્રિલ 2014 થી ઓક્ટોબર 2017 દરમિયાન ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ મીડિયા અને આઉટડોર પબ્લિસિટી દ્વારા જાહેરાતો પાછળ 37,54,06,23,616 રૂપિયાનો ખર્ચો કરાયો છે.
કેન્દ્ર સરકારે કોમ્યુનિટી રેડિયો, ડિજિટલ સિનેમા, દૂરદર્શન, ઈન્ટરનેટ, SMS અને ટીવી સહિતની ઇલેક્ટ્રોનિક મીડિયા જાહેરાતો પર 1,656 કરોડથી વધુ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
જ્યારે પ્રિન્ટ મીડિયા પાછળ સરકારે 1,698 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. હોર્ડિંગ્સ, પોસ્ટર્સ, બુકલેટ્સ અને કેલેન્ડર સહિતની આઉટડોર જાહેરાતો પર કેન્દ્ર સરકારે 399 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. સરકારે પહેલી જૂન 2014 થી 31 ઓગસ્ટ 2016 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દર્શાવાતી જાહેરાતો પાછળ 1100 કરોડથી વધુ રૂપિયા ખર્ચ્યા છે.