સુરતની ઘટનાનો ઘેરો પડઘો છેક બોલિવૂડમાં પણ પડ્યો! હમચમી ઉઠ્યા અમિતાભ સહીતના સ્ટારકાસ્ટ

સુરતના તક્ષશિલા કોમર્શિયલ આર્કેડમાં બનેલી ગોઝારી ઘટના ગુજરાતને લાંબા સમય સુધી યાદ રહેવાની છે. બિલ્ડીંગમાં આગ લાગતા બળીને ભડથું થઈ ગયેલા વિદ્યાર્થીઓ અને ચોથે મજલેથી કૂદકા મારીને પણ નીચે મોતને ભેટનાર હતભાગીઓને મળીને કુલ મૃત વ્યક્તિઓની સંખ્યા ૨૦ જેટલી થઈ છે. લોકસભામાં ભાજપની જીતના બીજા દિવસ સંધ્યાએ ગુજરાતમાં થયેલ આ ગોઝારી કરુણાંતિકા જેણે પોતાના સંતાનો ખોયા છે એના માટે તો સદાય એક કાળો દિવસ જ રહેવાનો છે.

દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં હાહાકાર થઈ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર ખેદ વ્યક્તિ કરી મૃતકોના આત્માને શાંતિ પ્રદાન કરવા ઈશ્વરને પ્રાર્થના કરી તો ગુજરાત સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી. જેના પર અમૂલ્ય એવો સ્નેહ પાથર્યો હોય એ ૧૭-૧૮નું જુવાન લોહી અચાનક જ કાળું પડી જાય એને મુલવી તો કેમ શકાય?

દેશભરમાંથી શોકસંદેશો આવ્યા. બોલિવૂડની ખ્યાતનામ સેલિબ્રિટીઓએ ટ્વીટર પર દુ:ખ વ્યક્ત કરી નિર્દોષ એવાં બાળકોના મોત પર શ્રધ્ધાંજલી અર્પી. અમિતાભ બચ્ચન, હેમા માલિની, ભૂમિ પેંડણેકર, અશોક પંડિત, શ્રધ્ધા કપૂર અને રવિના ટંડન સહિતના અભિનેતાઓએ ટ્વીટ કરીને કહ્યું કે..

“સુરતમાં ભયાનક દુર્ઘટના ઘટી છે. ૧૪-૧૭ વર્ષના બાળકો ભયાનક આગની લપેટમાં આવી ગયાં અને બચવા માટે નીચે કૂદીને ખત્મ થઈ ગયાં! એટલો દુ:ખી છું કે કશું કહેવાની હિંમત નથી. દુવાઓ!”

અમિતાભ બચ્ચન

“વિજયોત્સવની વચ્ચે એક ભયાનક અકસ્માત. સુરતના પીડિતો માટે મારું હ્રદય શોકગ્રસ્ત છે. નાની વયમાં આટલું મોટું કષ્ટ ઉઠાવવું પડ્યું. ભગવાન સૌ પરિવારોની સાથે રહે અને દુ:ખની આ પળમાં એમને શાંતિ આપે.”

હેમા માલિની (આ લોકસભામાં તેઓએ ભાજપની ટિકીટ પરથી મથુરામાં વિજય મેળવ્યો છે.)

“પીડિતોના સ્વજનો અને પરિવાર માટે બહુ દુ:ખ અનુભવું છું. ખરેખર ભયાનક દુર્ઘટના!”

રવીના ટંડન

“સુરતની આગની દુર્ઘટના વિશે સાંભળીને દુ:ખી છું. પીડિતોના પરિવારની સાથે મારી સંવેદના છે, જે ઘાયલ છે એના સ્વાસ્થય માટે કામના કરું છું.”

ઉર્મિલા માતોડકર (ઉત્તરીય મુંબઈની બેઠક પરથી હારેલા કોંગ્રેસી ઉમેદવાર)

“આ ખરેખર મોટો અકસ્માત છે. ૨૦ જેટલાં નવલોહિયાઓ બળીને ખાખ થઈ ગયાં. એમના પરિવાર અને સ્વજનો માટે દુ:ખી છું. આપણા દેશની બધી નગરપાલિકાઓએ સખ્ત થવું પડશે અને સુનિશ્વિત કરવું પડશે કે દરેક બિલ્ડીંગ આગની સલામતીના બધાં માનક પુરા કરે.”

જાવેદ અખ્તર

“સુરતની આગ દુર્ઘટના વિશે સાંભળીને શોકાયુક્ત છું. ખરે જ હ્રદય વિદારક છે. પ્રાર્થનાઓ!”

શ્રધ્ધા કપૂર

આ ઉપરાંત એક્ટ્રેસ ભૂમી પેડણેકર અને ભારતીય ફિલ્મો અને ટી.વી. ડાયરેક્ટર્સ એસોસિયેશનના અધ્યક્ષ અશોક પંડિતે પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. આ સાથે પણ બીજી અનેક મોટી હસ્તીઓએ આ મુદ્દે ટ્વીટ-પોસ્ટ કરી છે. મુદ્દો રાષ્ટ્રીય લેવલ સુધી પહોઁચ્યો છે.

અમારી વળી કેટલી મતિ? મૃતકોના પરિવારને પ્રભુ તું જ સાંત્વના આપજે! અને જેની આંખોમાં હજુ જીંદગીના સપનાંઓ હતાં એ દુર્ભાગીઓને પણ પ્રભુ તું ચિરશાંતિ અર્પજે!

॥ ૐ શાંતિ ॥

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top