સુરજ આથમણી કોર નમતો હતો એ ટાણે સુરતમાં કાળો કળેળાટ થઈ ગયો. રાધાક્રિષ્ન સોસાયટીમાંના કોઈ એક ઘરમાં ફોન રણક્યો. સુરેશભાઈએ ઉપાડ્યો.
સામેથી અવાજ આવ્યો. પણ કેવો? જાણે કોઈ હોનારત નજીક આવી ગઈ હોય અને બચવાની શક્યતાઓ પૂરી જ થઈ ગઈ હોય – એવો હાંફળો ને જીવનની છેલ્લી ઘડીએ જ જાણે બોલાયો હોય એવો. છેલ્લી વારનો જ સાદ હતો એ –
“પપ્પા…પપ્પા અમારા કોચિંગ સેન્ટરમાં આગ લાગી છે. સીડી તો પપ્પા લાકડાની હતી…એ તો આગમાં બળી ગઈ. પપ્પા…બધાં બાળકો નીચે કૂદકા લગાવી રહ્યાં છે. હું પણ નીચે કૂદકો મારું છું, પપ્પા!”
સુરેશભાઈનો જીવ તાળવે છોડ્યો. આ તો પોતાની સોળ વર્ષની દીકરીનો અવાજ હતો. હા, ક્રિષ્નાનો જ તે! એ દોડ્યા. ક્રિષ્ના જે કોચિંગ ક્લાસીસમાં ભણતી એ તક્ષશિલા આર્કેટની બિલ્ડીંગ બહુ દૂર નહોતી.
ત્યાં પહોંચતા જ જે દ્રશ્ય જોયું એ આંખે અંધારા લાવી દેનારું હતું. વાહનોની ભરચક, લોકોની કિકીયારીઓ અને ફાયરબ્રિગેડની દોડધામ વચ્ચે તક્ષશિલા આર્કેડે જાણે લાક્ષાગૃહનું સ્વરૂપ પકડ્યું હતું. બિલ્ડીંગને અડીને આવેલાં ટ્રાન્સફોર્મરમાંથી આગ લાગી તે જોતજોતામાં તો બિલ્ડીંગ આખીને ગળચી જવા મથતી હોય તેમ લવકારા કરવા માંડી હતી.
ક્રિષ્નાને આમાં ગોતવી ક્યાં? એક બાપની વેદના આ વખતે કેવી હશે? પૂછતા તો ખબર પડી કે, આગમાં જે બાળકો ઘવાયા છે કે ભડથું બન્યાં છે તેમને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યાં છે. પણ કઈ હોસ્પિટલમાં? સુરતમાં નામ વગર હોસ્પિટલનો પત્તો શી રીતે મળે?
સુરેશભાઈએ ફરીવાર ક્રિષ્નાના મોબાઈલમાં પર ફોન જોડ્યો. પણ હાય રે! હવે એ ફોન ઉપાડનારી એમની દીકરી આ દુનિયામાં નહોતી! વાહ રે કુદરત! ફોન ઉપડ્યો, અવાજ એક ભાઈનો સંભળાયો : “અહીં આવી જાવ..સ્મિમેર હોસ્પિટલમાં. અહીં જેટલાં બાળકોના ડેડબોડી આવ્યાં છે એમાંના એકમાંથી મને આ ફોન જડ્યો છે…!”
પહાડ ફાટ્યો! હવે આશા પૂરી. ડેડબોડીમાંથી ફોન જડ્યો હતો! એક બાપની આશા હવે પૂરી…દીકરી હવે આ દુનિયામાં નહોતી! વર્ણન થાય નહી આમ શબ્દોમાં આવા વખતનું…કાળજું લવલવતું હોય…છરા ભોંકાતા હોય…દાંતોની કડેડાટી બોલતી હોય…તોય જે જીરવી જાણે એ વિરલા કહેવાય!
બગાડજે મા તું કોઈની બાજી, અધવચ્ચે કિરતાર –
સ્મિમેર હોસ્પિટલમાં શું હતું? મૃતદેહો પડ્યાં હતાં. ઓળખાય એવાં? ના, જરાય નહી. લોકો ઓળખતા હતા – હાથ પરના બાંધેલા બેલ્ટ જોઈને, કાંડા પરના કુંભારનાડાને પારખીને – પોતાના વ્હાલસોયાઓને! સુરેશભાઈએ પણ દીકરીને આ રીતે જ ઓળખી!
પ્રભુ! કોઈની બાજી આમ અધવચ્ચે શા માટે બગાડે છે? આ તો હદ કહેવાઈ ગઈ, રે નાથ!
સુરેશભાઈ સહિત બીજાં માતા-પિતાઓને હવે તું જ સહનશક્તિ આપજે. એ ડોઝ મૂકતો રહેજે, જેથી તેઓ કમસેકમ હળવા તો રહે જ! સંતાન ખોયું છે એમણે!
આ ઘટનામાં એક દીકરીના બાપે કહ્યું હતું, “મારે ચાર લાખ નથી જોઈતા. હું તમને સામા ચાર લાખ આપું…તમે મહેરબાની કરીને ફાયર બ્રિગેડના સાધનો વસાવો!”