લોકગીતો કહે છે, ‘આજ રે સપનામાં મે તો ડોલતો ડુંગર દીઠો’! સ્વપ્ન તો સ્વપ્ન છે. કલ્પનાની એક એવી દુનિયા જે હક્કીકતથી ભલે જોજનો દૂર હો, પણ એનો તાર ક્યાંકને ક્યાંક તો માનવીની કોઈ વાસ્તવિકતા સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલો હોવાનો જ.
અહીં આપણે વાત સપનું શું કામ આવે છે એ બાબતે નથી કરવાની. વિજ્ઞાન એનો સચોટ જવાબ તારવીને આપી જ દે છે કે, કોઈ વ્યક્તિ-વસ્તુ કે પરિસ્થિતીને નજર સમક્ષ વારંવાર ઘૂમાવતા હો તો નિંદ્રાધીન સમયમાં પણ અચાનક એ તરફ મગજના ચેતાકોષો વળી જવાના. ખેર, અહીં વાત કરવી છે કંઈક અલગ. મુખ્યત્ત્વે જ્યોતિષશાસ્ત્ર પર આધારિત આ વાત છે. સ્વપ્નમાં અમુક ચીજો જો દેખાય, તો જ્યોતિષશાસ્ત્ર માને છે કે બહુ શુભ શુકન થવાના! પણ કઈ વસ્તુઓ? કઈ ચીજો? આવો જાણીએ :
કહેવાય છે કે, સપનામાં દેખાયેલી અમુક ચીજો ભવિષ્યમાં બનનારી ઘટનાનો પણ અછડતો દિશાનિર્દેશ કરી જાય છે. વાત છે અગોચર વિશ્વની. એનું ઉંડાણ બહુ લોકોએ માપવાની કોશિશ કરી છે. અમુક આંશિક સફળ રહ્યા, તો અમુક આપાદમસ્તક નિષ્ફળ. જે હોય તે. પણ જો તમને સપનામાં નીચે દર્શાવેલી ચીજો દેખાણી તો…
(1) ઉગતો સૂર્ય
સ્વપ્ન જ્યોતિષના શાસ્ત્રની એક ધારણા મુજબ, સપનામાં જો સૂર્યોદય કે પ્રભાતનો/મળસ્કાનો પહોર જોવા મળે તો અતિ ઉત્તમ! એવી માન્યતા છે કે, આવું થાય તો જીવનમાં કોઈ કષ્ટદાયક બાબતો આવવાની છે નહી. જીંદગીના દુ:ખો મટી જવાની આ નિશાની બતાવવામાં આવે છે.
એવી જ રીતે, મધરાતનો સમય જો સ્વપ્નમાં દેખાય તો પણ બહુ સારું શુકન માનવામાં આવે છે.
(2) ટાઢક આપતી વાનગી
રખે ને સ્વપ્નમાં આઇસક્રીમ, શ્રીખંડ કે એવી કોઈ બત્રીસે કોઠે શિતળતા પ્રસરાવી દેનારી ચીજ દેખાય તો પણ માની લેવાનું કે કદાચ ભાગ્ય ઉઘડ્યું! માનવામાં આવે છે કે, આવી વસ્તુઓના દર્શન સૂચવે છે કે જીવનમાં આવનારી મુશ્કેલીઓ ઓછી થશે અને સફળતાની રાહ ખૂલશે.
(3) અખરોટ
સપનામાં અખરોટનું દેખાવું બહુ શુકનવંતું માનવામાં આવે છે. કહેવાય છે કે, સ્વપ્ન જો અખરોટના સેવન અંગેનું હોય તો એ સર્વથા ઉત્તમ છે.
(4) અજમો
આમ તો અજમાનો ઉપયોગ શરીરની તંદુરસ્તી માટે કરવામાં આવે છે. ઉભો પાક લહેરાતો હોય એ વખતે કાઠિયાવાડના ખેતરોમાં ક્યાંક ક્યારા પર અજમાના છોડ મળી આવે છે. ખેર, અજમો સ્વાસ્થય માટે તો ફળદાયી છે. પણ સ્વપ્નમાં દેખાય તો એને જ્યોતિષશાસ્ત્ર પણ ફળદાયી માને છે!
(5) ફૂલ
ફૂલનું દેખાવું તો વાસ્તવિક જીંદગીમાં પણ એક છાનો આનંદ લાવતું હોય છે, તો સ્વપ્નશાસ્ત્ર પણ કંઈક એવો જ અનુભવ કહે છે. ફૂલ માત્ર નહી; તે સિવાય ગાય, ગજ અને હંસ પણ જો સ્વપ્નમાં આવે તો શુભ નિશાની ગણવામાં આવે છે.
(6) મૃત્યુ
આમ તો સ્વાભાવિક રીતે સ્વપ્નમાં પોતાનું અવસાન થતું જોવું ડરામણી પરિસ્થિતી છે. પણ જ્યોતિષશાસ્ત્ર માને છે કે, જો આવું દેખાય તો સમજવાનો સૂચિતાર્થ એ કે વ્યક્તિ પર આવનારું સંકળ ટળી ગયું છે. આમ, એક પ્રકારે મૃત્યુને સ્વપ્નશાસ્ત્ર તો શુભ જ માને છે.
(7) પૂજાઅર્ચના
આર્થિક લાભ અને કારકિર્દીમાં ઉચ્ચત્તમ સ્થાન મળવાની સંભાવનાઓ તો વધારે છે, જો સપનામાં તમે પૂજાપાઠ કરી રહ્યા હો એવું દેખાય. વળી, મંદિર કે ભગવાનની કોઈ મૂર્તિના દર્શન પણ બહુ લાભકારી માનવામાં આવે છે.
(8) સફેદ વસ્તુ
આ વાત પણ છે. સ્વપ્ન પર તારણ બાંધતું જ્યોતિષશાસ્ત્ર માને છે કે, સપનામાં કોઈ ધવલ ચીજ નજરે ચડે તો બહુ શુભ માનવું. આપના પર આવનારું સંકટ ટળી ચૂક્યું છે એવી માન્યતા છે. જીવનમાંથી તણાવ દૂર થવાનો પણ આ શુભ સંકેત છે.
નોંધ: આ ઉપર્યુક્ત માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પ્રમાણિત સોર્સમાંથી લીધેલી છે. જરૂરી નથી કે, અક્ષરશ: સચ્ચાઈ આમાં હોય જ. અત: ખરાઇ માટે તમે કોઈ નિષ્ણાત વ્યક્તિને પૂછી શકો.