તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને મોટો ફટકો પડ્યો છે. કુદરતી ગેસની કિંમત 40 ટકા વધીને રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. આ સાથે હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહિનાની પહેલી તારીખે યોજાનારી એલપીજીની સમીક્ષામાં એલપીજીના ભાવમાં પણ વધારો થઈ શકે છે. એટલું જ નહીં, હવે ગ્રાહકોએ CNG-PNG માટે પણ વધુ કિંમત ચૂકવવી પડશે.
આ વધારા બાદ હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરની શરૂઆતથી એલપીજીની કિંમતો વધી શકે છે. નોંધનીય છે કે 1 ઓક્ટોબરે યોજાનારી કિંમતોની સમીક્ષામાં કુદરતી ગેસના ભાવમાં વધારો થઈ શકે છે. વાસ્તવમાં સરકાર દ્વારા દર 6 મહિને ભાવ નક્કી કરવામાં આવે છે. આ સમીક્ષા દર વર્ષે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. હવે નેચરલ ગેસના ભાવમાં વધારા સાથે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે CNGની કિંમતમાં વધારો થઈ શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો થયો છે
આ સિવાય શુક્રવારે કાચા તેલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવ રૂ.27 વધી રૂ.6,727 પ્રતિ બેરલ થયા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, ઑક્ટોબર મહિનામાં ડિલિવરી માટે ક્રૂડ ઓઇલ કોન્ટ્રાક્ટના ભાવમાં વધારો નોંધાયો હતો. ઓક્ટોબરમાં ડિલિવરી માટેનો કોન્ટ્રાક્ટ રૂ. 27 અથવા 0.4 ટકા વધીને રૂ. 6,727 પ્રતિ બેરલ થયો હતો. તમને જણાવી દઈએ કે આમાં 6,085 લોટનો બિઝનેસ હતો. બજાર વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સહભાગીઓ દ્વારા પોઝિશનમાં વધારો થવાથી ક્રૂડ ઓઇલ વાયદામાં વધારો થયો છે.