એક તરફ દુનિયામાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન)એ ચીનને લઈને ચોંકાવનારો અંદાજ લગાવ્યો છે. પેન્ટાગોને કહ્યું છે કે વર્ષ 2035 સુધીમાં ચીન પાસે લગભગ 1,500 પરમાણુ હથિયારો હોવાની સંભાવના છે. વર્તમાન અંદાજ મુજબ, તેની પાસે 400 પરમાણુ ભંડાર છે.
ચીન સેનાને આધુનિક બનાવી રહ્યું છે
પેન્ટાગોને ચીનના મહત્વાકાંક્ષી સૈન્ય કાર્યક્રમ પર કોંગ્રેસને આપેલા તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, બેઇજિંગ આગામી દાયકામાં તેના પરમાણુ દળોને આધુનિક, વૈવિધ્યકરણ અને વિસ્તરણ કરવાનું લક્ષ્ય રાખે છે. તેમણે કહ્યું કે ચીનની વર્તમાન પરમાણુ આધુનિકીકરણની કવાયત અગાઉના આધુનિકીકરણના પ્રયાસો કરતા ઘણા મોટા પાયા પર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન જમીન, સમુદ્ર અને હવા-થી-હવા પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે અને તેના પરમાણુ દળોના વિસ્તરણ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે.
હવે ચીન પાસે 400 પરમાણુ હથિયાર છે
પેન્ટાગોને કહ્યું કે તેનો અંદાજ છે કે ચીનના ઓપરેશનલ પરમાણુ શસ્ત્રાગાર 400ને પાર કરી ગયા છે. રિપોર્ટ અનુસાર, પીપલ્સ લિબરેશન આર્મી (PLA) 2035 સુધીમાં તેના રાષ્ટ્રીય સંરક્ષણ અને સશસ્ત્ર દળોના આધુનિકીકરણને પૂર્ણ કરવાની યોજના ધરાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો ચીન આ ગતિએ પરમાણુ વિસ્તરણ કરશે તો તે 2035 સુધીમાં લગભગ 1,500 વોરહેડ્સનો સંગ્રહ કરી શકે છે.’
જણાવી દઈએ કે હાલમાં રશિયા પાસે સૌથી વધુ હથિયારો છે. તેની પાસે 5,977 પરમાણુ શસ્ત્રો છે જ્યારે અમેરિકા પાસે 5428 છે. ભારત પાસે માત્ર 159 પરમાણુ શસ્ત્રો છે. પેન્ટાગોનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને વર્ષ 2021માં 135 બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણો કર્યા છે. ગયા વર્ષે વિશ્વમાં આ સૌથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. એક અમેરિકન સંરક્ષણ અધિકારીએ કહ્યું છે કે ચીનનો ઈરાદો ખૂબ જ ચિંતાજનક છે. તે અમેરિકાને પડકારવાની શક્તિ ધરાવે છે અને તેનું એક કારણ ટેકનોલોજી છે.