ભારત દેશમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022નું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ રાજ્યભરના લોકોની નજર જામ ખંભાળિયા બેઠક પર હતી. જેનું મુખ્ય કારણ છે ઈસુદાન ગઢવી. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM કેન્ડીડેટ ઈસુદાન ગઢવીને જામ ખંભાળિયા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ બીજી બાજુ જામ ખંભાળિયા બેઠક પરથી ભાજપે મુળુભાઈ બેરાને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે વિક્રમ માડમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. મહત્વનું છે કે, ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી હતી.આમ આદમી પાર્ટીના ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની પણ કારમી હાર થઈ છે
જામ ખંભાળિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના તાલુકા ખંભાળિયા તાલુકામાં આવેલું નગર છે જે જિલ્લા તેમજ તાલુકાનું મુખ્યમથક છે. આ સાથે જ ખંભાળિયા બેઠક ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠકો પૈકી 81 નંબરની બેઠક છે. ખંભાળિયામાં જાતિ અને ધર્મના આધારે મુખ્ય સમુદાયો આહીર, જાડેજા, મુસ્લિમ, ચારણ, રબારી, ભરવાડ અને મહેર છે. આ જાતિના મતદારોનો પ્રભાવ અહીં વધુ જોવા મળે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં જામ ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના કાળુભાઈ નારણભાઈ ચાવલા અને કોંગ્રેસના વિક્રમભાઈ અરજણભાઈ માડમ મેદાનમાં હતા. આ બેઠક પર ભાજપના વિક્રમ માડમનો વિજય થયો. વર્ષ 2012 પૂનમબેન માડમ ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા. ભાજપના પૂનમ માડમ લોકસભામાં ગયા બાદ અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. 2014ની વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના આહિર મેરામણ આ બેઠક પરથી જીત્યા હતા. 1995થી 2012 સુધી આ બેઠક ભાજપના કબજામાં હતી.
ઈસુદાન ગઢવી કે જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. ઈસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનનાં ‘યોજના’ નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમ્યાન ઈસુદાન ગઢવીએ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. બાદમાં 2015માં VTVમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા.
ઈસુદાન ગઢવી કે જેઓ નેતા બનતા પહેલા એક પત્રકાર હતા. તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગમાં પત્રકાર તરીકે ભારે ચાહના ધરાવતા હતા. એમાંય તેમનો રાત્રિના 8થી 9 વાગ્યાનો ‘મહામંથન’ શો લોકોમાં ભારે લોકપ્રિય હતો. ઈસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ ‘મહામંથન’થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ઈસુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી હતી. જોકે બાદમાં તેઓએ VTVના એડિટર પદેથી રાજીનામું આપી AAPનું ઝાડુ પકડ્યું હતું. 1 જુલાઈ 2021ના રોજ તેઓએ ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપ્યા બાદ 14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, ‘ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે.’