રાજ્યની ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકોને જાન્યુઆરી 2017થી પગાર વધારો આપેલ છે. પરંતુ સરકારી શાળાના શિક્ષણ સહાયકો કરતાં પ્રથમ વખત ઓછો વધારો આપતાં રોષે ભરાયેલા હાઈસ્કુલના 5000 શિક્ષકોએ ઉચ્ચત્તર વધારો આપવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ તેમની પત્નિઓને પોસ્ટકાર્ડ લખ્યા છે.
ન્યાયિક માગણી નહીં સ્વીકારાય તો અરવલ્લી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રાકેશ જે. પટેલે જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
રાજ્ય મહામંડળના હોદ્દેદારો(માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક) દ્વારા ફિક્સ પગાર વધારામાં સરકારી કરતાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકોને ઓછો પગાર વધારો અપાયો છે. જેથી આજ થી ૩ દિવસ દરમ્યાન શાળાના શિક્ષકો પોસ્ટકાર્ડ લખી સરકારને ન્યાય આપવાની માંગ કરી છે.
આશ્ચર્યજનક કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષકોએ મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી ઉપરાંત મુખ્યમંત્રીના પત્નિ અંજલીબેન રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીનાં પત્નિ સુલોચનાબેન પટેલને મોટાબેન તરીકે ઉદ્દેશી પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે.
માધ્યમિક શિક્ષણ સહાયકોને રૂ. 25 હજારના બદલે 31,340 અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયકોને રૂ.26 હજારના બદલે 38,080નો વધારો આપવા ભલામણ કરશો તો અમો આપના કાયમી ઋણી રહીશું, તે પ્રકારનાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં છે.