સુરત ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કોર્ટના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ઈન્સ્યોરન્સ કંપનીએ કોર્ટમાં ફરિયાદની સુનાવણી પહેલા ગ્રાહકને 50 લાખ રૂપિયાનો ક્લેઈમ ચૂકવી દીધો. જ્યારે પતિના મૃત્યુ બાદ મહિલા ક્લેમ મેળવવા માટે એક વર્ષ સુધી ધક્કા ખાઈ રહી હતી.
સુરતમાં રહેતા પિનાકીન પટેલ નામના વ્યક્તિએ મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી રૂ.50 લાખની ટર્મ પ્લાન ઈન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. જેનું વાર્ષિક પ્રીમિયમ 40 વર્ષ માટે પ્રતિ વર્ષ 32,668 રૂપિયા ચૂકવવાનું હતું. ટર્મ પ્લાન ખરીદ્યાના એક વર્ષમાં જ પિનાકીન પટેલની તબિયત લથડી હતી. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ઓપરેશન છતાં તેમનું મૃત્યુ થયું હતું. પિનાકીન પટેલના અવસાન બાદ તેની પત્ની ફાલ્ગુની પટેલ અને પુત્ર દેવાંશે વીમા કંપનીમાં અરજી કરી હતી અને 50 લાખના ક્લેમની માંગણી કરી હતી, પરંતુ વીમા કંપનીએ ટેકનિકલ કારણો દર્શાવીને દસ મહિના સુધી બહાનું કાઢ્યું હતું.
આખરે ફાલ્ગુનીએ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત ગ્રાહક કોર્ટમાં વીમા કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ગ્રાહક અદાલત દ્વારા વીમા કંપનીને નોટિસ ફટકારવામાં આવતા જ વીમા કંપનીએ સુનાવણી શરૂ થાય તે પહેલા જ ફાલ્ગુની પટેલના બેંક ખાતામાં 50 લાખ રૂપિયાની ક્લેમની રકમ જમા કરાવી દીધી હતી. વીમા કંપનીએ દાવાની પતાવટ કર્યા પછી, ફાલ્ગુનીએ પણ કોઈ વ્યાજ કે વધારાના ખર્ચની માંગણી કર્યા વિના તેની ફરિયાદ પાછી ખેંચી લીધી.
સુરતમાં સ્નેચિંગ કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
સુરતના પાલ પોલીસના સર્વેલન્સ સ્ટાફે શનિવારે પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની ઘટનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી 35,000 રૂપિયાની રોકડ પણ જપ્ત કરી હતી. પોલીસે જણાવ્યું કે, પકડાયેલા આરોપીનું નામ ઉપેશ ઉર્ફે ગોકુલ ઈશ્વર ભીમપોરિયા છે, જે રૂદરપુરા હિજડાવર ચાર રસ્તાનો રહેવાસી છે. બાતમીદાર પાસેથી મળેલી બાતમીના આધારે શનિવારે પાલ પાટિયા નજીકથી ઝડપાયો હતો.