અજમેર દરગાહમાં ઉર્સ દરમિયાન હંગામો અને લડાઈ થઈ હતી. મળતી માહિતી મુજબ, આ લડાઈ વિવાદાસ્પદ સૂત્રોચ્ચારને લઈને થઈ હતી. જેમાં ખાદિમ અને ઝીયરીન એકબીજા સાથે અથડાયા હતા. આ અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ અથડામણ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર 811માં ઉર્સ દરમિયાન થઈ હતી. મળતી માહિતી મુજબ અજમેર શરીફ દરગાહની અંદર બરેલવી સમુદાયના કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી દરગાહના ખાદિમ ગુસ્સે થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો સાથે ઘર્ષણ કર્યું. જો કે સ્થળ પર હાજર પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો.
હકીકતમાં ખાદીમોનો આરોપ છે કે બરેલવી સમુદાયના લોકોએ દરગાહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, જેનો તેઓએ વિરોધ કર્યો હતો. જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દરગાહમાં જન્નતી દરવાજા પાસે સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો સાથે ખાદિમોની અથડામણ થઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી.
અથડામણ થતાં જ દરગાહના સ્ટેશન ઈન્ચાર્જ અમરસિંહ ભાટી ઘટનાસ્થળે પહોંચી ગયા અને મામલો શાંત પાડવા માટે બંને પક્ષો સાથે વાત કરી હતી. તેમણે બંને પક્ષોને એકબીજા સાથે વાત પણ કરાવી હતી અને સૂત્રોચ્ચારને કારણે થયેલી અથડામણનો મામલો શાંત પાડ્યો હતો. જો કે આ લડાઈનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો એકબીજા સાથે લડતા જોવા મળે છે.
દર વર્ષે પ્રખ્યાત સૂફી સંતોમાંના એક ચિશ્તીની પુણ્યતિથિ પર ઉર્સનું આયોજન કરવામાં આવે છે. ચિશ્તીને ‘ગરીબ નવાઝ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉર્સ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અજમેર શરીફ દરગાહ પહોંચે છે અને ચાદર ચઢાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે ઉર્સ દરમિયાન દરગાહ પર ચાદર મોકલે છે. આ વર્ષે પણ અહીં તેમની ચાદર ચઢાવવામાં આવી છે.