રાજધાની દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં 30 રૂપિયાની લેવડ-દેવડના કારણે એક યુવકની મારપીટ અને ચાકુ મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, માત્ર 30 રૂપિયાના વિવાદમાં બે ભાઈઓએ એક વ્યક્તિની ચાકુ મારીને હત્યા કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
પોલીસે ગુનો નોંધી બંને આરોપી ભાઈઓ રાહુલ અને હરીશની ધરપકડ કરી છે. પોલીસે ઘટનામાં વપરાયેલ હથિયાર અને કપડા કબજે કર્યા છે.
પોલીસે જણાવ્યું કે મોડલ ટાઉન પોલીસ સ્ટેશનને સાંજે પીસીઆર કોલ મળ્યો કે એક વ્યક્તિને છરો મારવામાં આવ્યો છે. માહિતીના આધારે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે એક વ્યક્તિ રસ્તા પર પડેલો હતો, જેના પેટમાં ચાકુ મારવામાં આવ્યું હતું. પોલીસે તે વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ સોનુ તરીકે થઈ છે. જે ગુડ મંડી મોડલ ટાઉનમાં રહેતો હતો. સોનુ પરિણીત છે અને તેને ચાર બાળકો છે. સોનુ લગ્ન સમારોહમાં કેટરિંગનું કામ કરતો હતો. સોનુની સાથે રાહુલ પણ કામ કરતો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ઘટના માત્ર 30 રૂપિયા માટે થઈ હતી.
પરિવારજનોની વાત માનીએ તો સોનુ અને આરોપી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી 30 રૂપિયાને લઈને ઝઘડો ચાલતો હતો. ગત સાંજે રાહુલ તેના ભાઈ હરીશ સાથે સોનુ પાસેથી પૈસા લેવા આવ્યો હતો અને સોનુને પાઠ ભણાવવા માટે તેની સાથે છરી પણ લાવ્યો હતો.
બંને આરોપીઓ અને સોનુ વચ્ચે પૈસાને લઈને બોલાચાલી થઈ હતી. આ પછી મારામારી શરૂ થઈ ગઈ. આ દરમિયાન બંને ભાઈઓએ સોનુને ખૂબ માર માર્યો હતો. ત્યાર બાદ સોનુના પેટમાં છરી વડે અનેક વાર કરવામાં આવ્યા હતા અને સોનુ લોહીથી લથપથ જમીન પર પડ્યો હતો. પોલીસે બંને આરોપી ભાઈઓ રાહુલ અને હરીશની ધરપકડ કરી લીધી છે.