IPLની 16મી સિઝનમાં આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, બન્યો આવું કરનાર પ્રથમ ખેલાડી

IPL 2023માં ગુજરાત ટાઈટન્સના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઈતિહાસ રચ્યો છે. તે IPLની એક સિઝનમાં પાવર પ્લે દરમિયાન સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ કરીને શમીએ ટ્રેન્ટ બોલ્ટનો રેકોર્ડ તોડ્યો છે. બોલ્ટે 2020ની સિઝનમાં પાવર પ્લે દરમિયાન કુલ 16 વિકેટ ઝડપી હતી. ક્વોલિફાયર-2માં મુંબઈ સામેની મેચ દરમિયાન શમીએ પાવર પ્લે દરમિયાન નેહલ વઢેરા અને રોહિત શર્માને આઉટ કર્યા હતા. શમીએ આ સિઝનમાં શાનદાર બોલિંગ કરી છે અને ફાઈનલ મેચ સુધી કુલ 28 વિકેટ ઝડપી છે, જેમાંથી 17 વિકેટ તેણે પાવર પ્લેમાં લીધી છે.

IPLમાં પાવર પ્લે દરમિયાન સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સ:

  • 17 – મોહમ્મદ શમી (2023)
  • 16 – ટ્રેન્ટ બોલ્ટ (2020)
  • 16 – મિશેલ જોન્સન (2013)
  • 15 – દીપક ચહર (2019)
  • 15 – મોહિત શર્મા (2013)
  • 14 – ધવલ કુલકર્ણી (2016)

શમી અને રાશિદ વચ્ચે પર્પલ કેપ માટે ટક્કર

IPLની 16મી સિઝનમાં શમી 28 વિકેટ ઝડપીને પર્પલ કેપ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. પર્પલ કેપની રેસમાં ગુજરાત ટાઈટન્સનો જ ખેલાડી રાશિદ ખાન શમીને ટક્કર આપી રહ્યો છે. રાશિદે IPL 2023માં અત્યાર સુધી 27 વિકેટ ઝડપી છે. IPLની ફાઈનલ 28 મેના રોજ રમાશે. ચેન્નઈ સામેની ફાઈનલ મેચમાં રાશિદ અને શમી વચ્ચે સૌથી સફળ બોલર માટેની ટક્કર રોમાંચક રહેશે.

ગુજરાત સતત બીજી વખત IPLની ફાઈનલમાં

ક્વોલિફાયર-2માં ગુજરાતે મુંબઈને 62 રને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ફાઇનલમાં ગુજરાતનો મુકાબલો ચેન્નઈ સાથે થશે. હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત સતત બીજી વખત IPLની ફાઇનલમાં પહોંચ્યું છે. ગત સિઝનની ફાઇનલમાં ગુજરાતે રાજસ્થાનને હરાવીને IPL ટાઇટલ જીત્યું હતું.

Scroll to Top