અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકવા છતાં એક 26 વર્ષની યુવતીએ દેશમાં રહીને માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી. આ યુવતીનું નામ બેહિશ્તા ખૈરુદ્દીન છે. બેહિશ્તાએ IIT મદ્રાસમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં M.Tech પૂર્ણ કર્યું છે. બેહિશ્તાની હાડમારીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ડિગ્રી પૂર્ણ કરવા માટે ઉત્તર અફઘાનિસ્તાનમાં પોતાના ઘરમાં એક ગુપ્ત લેબ સ્થાપવી પડી હતી.
બે વર્ષ સુધી તાલિબાનની નજરથી બચી હતી
તાલિબાન કમાન્ડરોની નજરથી બચીને બેહિશ્તાએ તેની લેબમાં કેમિકલ એન્જિનિયરિંગ સંબંધિત પ્રયોગો કર્યા હતા. આ માટે તેણે બીકર અને તેની બહેન પાસેથી ઓવન પણ ઉછીનો લીધો હતો. વર્ષ 2021માં તાલિબાન સત્તામાં આવ્યું ત્યારથી તેણે ખૂબ જ સાવધ રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. બેહિશ્તાએ ઘરેથી સેમેસ્ટરના તમામ પેપર આપ્યા હતા અને પાસ પણ થઇ હતી. આ પછી તેણે IIT-મદ્રાસમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. આ કામમાં તેમને IIT મદ્રાસની મદદ પણ મળી હતી.
બે સેમેસ્ટર સુધી સંઘર્ષ કરવો પડ્યો
બેહિશ્તાએ કહ્યું કે મેં આ બધું હાંસલ કરવા માટે ઘણી મહેનત કરી છે. મેં પહેલા બે સેમેસ્ટરમાં ખુબ સંઘર્ષ કર્યો હતો. મારા માટે બધું નવું હતું. હું આખો દિવસ કોમ્પ્યુટર પર ચોંટેલી રહેતી હતી. રાત્રે ચાર-પાંચ કલાક જ આરામ કરતી હતી. મારા પરિવારમાં શિક્ષણને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવી છે. મારો જન્મ એક શિક્ષિત પરિવારમાં થયો હતો. મારા પિતા સામાજિક વિજ્ઞાનના સ્નાતક છે. મારી માતા ડૉક્ટર છે. મારી મોટી બહેન આઈઆઈટી પીએચડીની વિદ્યાર્થીની છે. તે અફઘાનિસ્તાનમાં અટવાઈ ગઈ છે. મારી બીજી બહેને કાયદાનો અભ્યાસ કર્યો છે. મારા ભાઈએ સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે.
અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે સ્થિતિ નિરાશાજનક
તાલિબાન અફઘાનિસ્તાનમાં કડક ઇસ્લામિક કાયદાનો વ્યાપકપણે અમલ કરે છે. અહીં છોકરીઓને યુનિવર્સિટીમાં જવા પર પ્રતિબંધ છે. મિડલ સ્કૂલ અને હાઈસ્કૂલની છોકરીઓ અને વ્યાવસાયિક મહિલાઓને જાહેરમાં માથાથી પગ સુધી ઢાંકેલા કપડા પહેરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. બેહિશ્તાએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે સ્થિતિ નિરાશાજનક છે. હું છોકરીઓને કહીશ કે કૃપા કરીને ભણો અને બને તેટલો અભ્યાસ કરો. ઘરે અભ્યાસ કરો, પુસ્તકો વાંચો. આ સાથે તેણે કહ્યું કે અમે આ ક્રૂરતા સામે લડીશું.