Rajkot Game Zone Fire: રાજકોટ શહેરમાં આવેલા TRP ગેમઝોનમાં આગ લાગવાની ઘટનાને 24 કલાક પૂરા થઈ ગયા છે. ત્યારે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 32એ પહોંચી ગયો છે. હાલ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. આ દુર્ઘટનામાં મૃતકો એવી રીતે બળીને ભડથું થઈ ગયા છે કે, તેમના ચહેરા ઓળખવા પણ મુશ્કેલ બની ગયા છે. આવા સમયે હવે DNAની મદદથી મૃતદેહોને ઓળખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટની આગ દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પિતાએ ધમકીભર્યું નિવેદન આપ્યું છે. દીકરા સહિત પાંચ સ્વજનોને ગુમાવનારા પરિવારના મોભી પ્રદિપસિંહ ચૌહાણે કહ્યુ છે કે, જો એમને સજા મળે તે પહેલાં જામીન મળી જશે તો હું તેમને જાનથી મારી નાંખીશ. આ ઉપરાંત તેમણે વકીલોને પણ આરોપીઓ તરફથી આ કેસ ન લડવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત કેસની ફી હોય છે તેના કરતાં 2 લાખ વધુ આપશે તેવું પણ જણાવ્યું છે.
રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં આવેલા આંકડા પ્રમાણે 32 જેટલા લોકો જીવતા ભૂંજાયા છે. તેમાં 9 જેટલા બાળકો પણ સામેલ છે. આ જ ગેમઝોનના ઉદ્ઘાટનની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં રાજકોટના તત્કાલિન કલેક્ટર અરુણ બાબુ, તત્કાલિન પોલીસ કમિશનર બલરામ મીણા, તત્કાલિન મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરા, તત્કાલિન ડીસીપી ઝોન-1 પ્રવિણ મીણા સહિતના અધિકારીઓ દેખાઈ રહ્યા છે. આજથી બે વર્ષ પહેલાં એટલે કે 22મી માર્ચ, 2022ના દિવસે તેમણે આ ગેમઝોનના ઉદ્ઘાટન પ્રસંગમાં સામેલ થયા હતા. ત્યારે સવાલ એ થાય છે કે, આ અધિકારીઓને આટલી ગંભીર બેદરકારી દેખાઈ નહોતી કે પછી સત્તામાં મદમસ્ત બનેલા હાથીની માફક આંખ આડા કાન કરી લીધા હતા. આવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
રાજકોટ અગ્નિકાંડના જવાબદાર ગુનેગારો સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 6 આરોપીઓની સામે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે. TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. 6 આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. TRP ગેમઝોનની જગ્યા ધવલ કોર્પોરેશન નામથી રજિસ્ટર કરવામાં આવી હતી. IPCની કલમ 304, 337, 338 અને 114 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ એસીપી વિનાયક પટેલ કરી રહ્યા છે.