મલેરિયા રોગ વિશ્વભરમાં એક ગંભીર સમસ્યા બની રહ્યો છે. જો કે, હવે તેની દવાઓ માર્કેટમાં ઉપલબ્ધ હોવા અને તેમનો ઇલાજ સંભવ હોવા છતાં મલેરિયાથી આજે પણ એક વર્ષમાં વિશ્વભરમાં ચારેક લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે.
સ્વાભાવિક છે કે, તેમની અસર તળે આવનારા લોકોનો આંકડો તો વિશાળ જ હોવાનો.
માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી, તેની લાળમાં રહેલા પરોપજીવીઓ આપણા લોહીમાં દાખલ થાય છે.પરોપજીવી અર્થાત્ એવા સુક્ષ્મજીવો જે કોઈ અન્યના શરીરમાં જ વસવાટ કરી શકે.
પ્લાઝમોડિયમ ફાલસીપેરમ નામક આ પ્રોટોઝુઆ પરોપજીવીઓ આપણા રક્તમાં આવીને તો પછી પોતાની સંખ્યા વધારતા જ જાય છે.
પરિણામ એ આવે કે, આપણી રોગપ્રતિરોધકતા ઘટી જાય છે. ચક્કર આવવી, શ્વાસનો ફૂલાવો થવો વગેરે સમસ્યાઓ થવા માંડે છે.
શું છે સારા સમાચાર
સમાચાર અમેરિકાની મેરિલેન્ડ મહાવિદ્યાલયમાંથી આવ્યાં છે. અહીંના વિદ્યાર્થીઓએ અને પ્રોફેસરોએ એક દવા બનાવી છે : મલેરિયાને નાથવાની. દવા બનાવનાર ફાર્માસ્યુટિકલ કંપની કોની છે ? કરોળિયાની!
જુઓ : કરોળિયાનો ખોરાક મચ્છર, માખી જેવાં જીવજંતુઓ જ છે. એમના માટે એ જાળું બનાવે છે. કીટક એમાં ફસાય છે અને બાદમાં કરોળિયા આલિશાનતાથી ટહેલતો આવીને કીટકને આરોગવા તેની માલીપા એક પ્રકારનું ઝેરયુક્ત પ્રવાહી છોડી દે છે. કીટક સહન કરી શકવાનું છે નહી આ અસરને! તે મરી જાય છે.
વૈજ્ઞાનિક ભેજાઓએ આ જ વાતનો ફાયદો લીધો.
ઓસ્ટ્રેલિયાનો કરોળિયો ને આફ્રિકાનું મચ્છર
શોધકર્તાઓએ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતી ફનલ વેબ પ્રજાતિના કરોળિયાના ઝેરનો ઉપયોગ કરીને ફૂગ બનાવી. આફ્રિકાના એક પછાત દેશ, નામે ‘બુર્કિના ફાસો’માં જઈ એક મચ્છરદાનીમાં ૧૫૦૦ જીવતા મચ્છરો ભર્યાં.
અંદર ફનલ વેબની ઝેરી ફૂગ મૂકી દીધી. દોઢ મહિનો વીતવા દીધો. પછી જોયું તો ૧૩ મચ્છર બચ્યાં હતાં. બાકી બધાં ‘ફંગલ ચેમ્બર’માં હરી ઓમ્ શરણ થઈ ગયાં!
કઈ રીતના કામ કરે છે
ફૂગ મચ્છરની અંદર જાય છે એટલે પછી સ્પેશિયલ એન્કાઉન્ટર શરૂ થાય છે. હળાહળની અસર શરૂ થાય છે. મચ્છરના આંતરિક બાંધાને આ વિષ રફેદફે કરી નાખે છે. એટલે બાત ખતમ, ખેલ ખતમ
આજે દુનિયાભરમાં મલેરિયા એક પ્રમુખ રોગ તરીકે ભયજનક હદે વકર્યો છે ત્યારે મેરિલેન્ડની સ્કવોડ દ્વારા થયેલો આ પ્રયોગ આગામી સમયમાં કોઈ ચોક્કસ રામબાણ બનીને ઉભરી શકશે કે કેમ એ જોવું રહ્યું! આવું થશે તો બલિહારી
પણ, એ પહેલાં આપણે આપણું કામ કરીએ. મલેરિયા ના થાય એવું જ કરો તો કેમનું રહે? સિમ્પલ છે. ઉનાળું વેકેશન ખુલવાને આડે હવે થોડાંક દિવસ બાકી રહ્યાં છે. ચોમાસું પણ આવવામાં છે. વરસાદ થશે, ખાડાઓ ભરાશે, મચ્છરો થશે.
એમાં પેલી માદા એનાફિલિસ પણ હશે તો સ્વાભાવિક છે કે રહિશોને મલેરિયા થશે! એના કરતા હાલ એકાદ-બે દિવસ કાઢીને જ્યાં પાણી ભરાતું હોય એવાં વિસ્તારો પછી એ તમારી શેરીમાં હોય કે ન હોયમાં જઈ લોકોને સમજાવી પાણીના નીકાલની યોગ્ય વ્યવસ્થા કરો તો કેવું રહે આ જ તો ધર્મ છે.