ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ બર્મિંગહામમાં રમાઈ રહી છે. બેન સ્ટોક્સના કેપ્ટન અને બ્રેન્ડન મેક્કુલમના કોચ બન્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ અલગ અંદાજમાં રમી રહી છે અને સતત જીત પણ મેળવી રહી છે. બેઝબોલ સિઝનમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા માટે દરેક ફેન ઉત્સાહિત છે. તેની અસર મેચના પહેલા જ દિવસે જોવા મળી હતી. પરંતુ ઇંગ્લેન્ડના કેપ્ટને 78મી ઓવરમાં ઇનિંગ્સ ડિક્લેર કરીને બધાને ચોંકાવી દીધા હતા.
જો રૂટે ફટકારી સદી
ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને જેક ક્રોલીએ ચોગ્ગાથી મેચની શરૂઆત કરી હતી. આ પછી પણ ઇંગ્લિશ બેટ્સમેનો ઝડપી રન બનાવતા રહ્યા હતા. 78મી ઓવરમાં જો રૂટ અને ઓલી રોબિન્સને મળીને 20 રન ઉમેર્યા હતા, પરંતુ તે પછી જ બેન સ્ટોક્સે ઇનિંગ્સ ડિકલેર કરી હતી. તે સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 393/8 હતો. રુટે વિસ્ફોટક બેટિંગ કરીને સદી ફટકારી હતી અને રોબિન્સને પણ તેનો સાથે આપ્યો હતો.
ઈતિહાસમાં પ્રથમ વખત થયું આવું
એશિઝ સિરીઝના ઈતિહાસમાં પ્રથમ વખત ટીમ માત્ર 468 બોલ રમ્યા બાદ કોઈ કેપ્ટને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. આ પહેલા કોઈ પણ કેપ્ટને મેચની પ્રથમ ઇનિંગ્સ માત્ર 78 ઓવરમાં ડિકલેર કરી ન હતી. બેન સ્ટોક્સના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું હતું. આ અંગે અનુભવીઓએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. કેટલાક લોકોએ તેને સાચો નિર્ણય ગણાવ્યો તો કેટલાકે તેને ગાંડપણ ગણાવ્યું હતું.
પ્રથમ દિવસની રમત
પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 393/8ના સ્કોર પર પ્રથમ ઇનિંગ્સ ડિકલેર કરી હતી. જો રૂટે અણનમ 118 રન બનાવ્યા હતા. જોની બેયરસ્ટોએ 78 અને જેક ક્રોલીએ 61 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને ચાર અને જોશ હેઝલવુડે બે વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 14/0 હતો. ઈંગ્લેન્ડની ટીમ 379 રનથી આગળ છે.