દેશના નવા સંસદ ભવનનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 મે, 2023ના રોજ કરવામાં આવશે. આ અવસરને ખાસ બનાવવા માટે નાણાં મંત્રાલયે 75 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના કારણે આ સિક્કાની કિંમત 75 રૂપિયા રાખવામાં આવી છે. આ સિક્કો ખુબ ખાસ હશે.
શું ખાસ હશે આ સિક્કામાં?
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમયે જારી કરવામાં આવનાર આ સિક્કાના પહેલા ભાગમાં કેન્દ્રમાં ‘અશોક સ્તંભ’ હશે અને તેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હશે. આ સાથે સિક્કાની ડાબી બાજુ હિન્દી અને જમણી બાજુ અંગ્રેજીમાં ‘ભારત’ લખવામાં આવશે. આ સિક્કાના પહેલા ભાગમાં નીચેની બાજુએ રૂપિયા 75 લખવામાં આવશે, જેમાં રૂપિયાનો ચિહ્ન હશે. બીજા ભાગમાં સંસદ સંકુલની તસવીર હશે. તેના ઉપરના ભાગમાં દેવનાગરી લિપિમાં અને નીચેના ભાગમાં અંગ્રેજીમાં ‘સંસદ સંકુલ’ લખેલું હશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તે 50 ટકા સિલ્વર, 40 ટકા કોપર અને 5-5 ટકા નિકલ અને ઝિંક ધાતુથી બનેલું હશે.
સ્પેશિયલ સિક્કા શું છે?
સરકાર દ્વારા કોઈ મહત્વપૂર્ણ પ્રસંગ અથવા કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્પેશિયલ સિક્કા બહાર પાડવામાં આવે છે. આને ‘સ્મારક’ સિક્કા પણ કહેવામાં આવે છે. સરકાર દ્વારા બહાર પડવામાં આવેલ સ્પેશિયલ સિક્કા કાનૂની ટેન્ડર નથી. આથી તેનો વ્યવહારો માટે ઉપયોગ કરી શકાતો નથી.
કેટલી વખત સ્પેશિયલ સિક્કા બહાર પાડવામાં આવ્યા છે?
આ પહેલા સરકાર અનેક પ્રસંગોએ સ્પેશિયલ સિક્કા બહાર પાડી ચૂકી છે. ઓક્ટોબર 2020માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની 75મી વર્ષગાંઠ પર 75 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. વર્ષ 2022માં દિલ્હીમાં આયોજિત 90મી ઈન્ટરપોલ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 રૂપિયાનો સિક્કો બહાર પડ્યો હતો. આ ઉપરાંત IIT રૂડકીના 175 વર્ષ પૂર્ણ થવાના અવસર પર 175 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.