સુરતના મહિલા હોમગાર્ડને સોશિયલ મીડિયા પર વીડિયો મૂકવો ભારે પડયો છે. જેમાં ફરજ દરમિયાન ફિલ્મી ડાયલોગમાં વીડિયો બનાવનાર મહિલા હોમગાર્ડને જિલ્લા હોમગાર્ડના અધિકારી દ્વારા હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે પગલાં લેવામાં આવ્યા છે. તેની સાથે અધિકારી દ્વારા ચીમકી આપવામાં આવી છે કે ચાલુ ફરજ દરમિયાન કોઈ કર્મચારી આવું કાર્ય કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે.
સુરતમાં બે દિવસ પહેલા મહિલા હોમગાર્ડનો એક વીડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો. સુરત હોમગાર્ડ શાખામાં ફરજ બજાવનારી દીપમાલા પાટીલ નામની મહિલા હોમગાર્ડ દ્વારા ચાલુ ફરજ દરમિયાન વીડિયો બનાવવામાં આવ્યો હતો. હિન્દી ફિલ્મોના ડાયલોગ અને વર્તમાનમાં ચાલી રહેલી કોરોનાની મહામારીની મિમિક્રી કરતો વીડિયો મહિલા હોમગાર્ડ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ આ વાત ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં ગઈ હતી. આ બાબતને ગંભીરતાથી લેતા જિલ્લા કમાન્ડના અધિકારી દ્વારા તાત્કાલિક મહિલા હોમગાર્ડ જવાનને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. સસ્પેન્ડ કરવામાં આવ્યા પહેલા મહિલા હોમગાર્ડને નોટિસ ફટકાર્યા બાદ ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેમાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા સસ્પેન્ડનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ જિલ્લા કમાન્ડ અધિકારીએ ચીમકી આપતા કહ્યું હતું કે, ચાલુ ફરજ દરમિયાન જો કોઈ કર્મચારી આ પ્રકારનું કાર્ય કરશે તો તેને ચલાવી લેવામાં આવશે નહીં. આવા કર્મચારીઓ સામે કડકથી કડક કાર્યવાહી કરાશે.
આ બાબતમાં સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડ સંજય પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર દીપમાલા દ્વારા વિડીયોથી બચવા માટે કહેવામાં આવ્યું છે કે, વીડિયો દીકરાથી ભૂલમાં વાયરલ થઈ ગયો હતો. આ વાત જરા પણ માની શકાય તેમ નથી. સી ઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલની તપાસના અંતે દીપમાલાને સસ્પેન્ડ કરવામાં આવી છે.”