જુનાગઢથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પરંતુ આ અકસ્માત દરમિયાન એક વિચિત્ર બાબત સામે આવી છે. જેના કારણે આ અકસ્માત વધુ ચર્ચામાં આવી ગયો છે. કેમકે આ અકસ્માત દરમિયાન હીરાથી ભરેલું એક પેકેટ મળી આવતા તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.
નોંધનીય છે કે, જુનાગઢમાં ઈકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 9 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, મેંદરડા સાસણ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, ઈકો કારના ભુક્કો થઈ ગયો હતો. જ્યારે તપાસ દરમિયાન કારમાંથી એક થેલો પણ મળી આવ્યો હતો જેમાં ડાયમંડથી ભરેલું પેકેટ હોવાનું સામે આવ્યું છે.
જ્યારે મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, જૂનાગઢ જિલ્લામાં મેંદરડા સાસણ રોડ ઉપર ઈકો કાર તાલાલાથી જૂનાગઢ તરફ જઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલી ટ્રક સાથે તેની ટક્કર થઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર 9 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા કોલ કરતા એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે જુનાગઢની સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમ છતાં આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
તેની સાથે જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં ચાર મહિલા અને પાંચ પુરુષો સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અકસ્માત સમયે કારમાંથી બ્લેક કલરનો એક થેલો પણ મળી આવેલ છે. જેમાં તપાસ કરતા તેમાં પેકેટમાં ડાયમંડ હોવાનું સામે આવ્યું છે. તપાસ કર્યા બાદ 108 ના કર્મચારીઓ દ્વારા ડાયમંડ પેકેટ સહિત થેલો પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. સમગ્ર બાબતમાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં હીરા કેટલી કિંમતના હતા તે અંગે હજી સુધી જાણકારી સામે આવી નથી.