વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, આયાએ 8 માસના માસુમ બાળક પર કર્યો ભયાનક જુલમ

આજની ભાગદોડભરી જિંદગીમાં માતા-પિતા પોતાના બાળક સાથે રહી શક્તા નથી. કામના ભારણની સાથે વાલીઓ પોતાના બાળકની દેખરેખ માટે કેરટેકરને રાખતા હોય છે. આ કેરટેકરને બાળકની સંભાળ રાખવા માટે વાલીઓ એક નક્કી કરેલી રકમ પણ તે કેરટેકરને ચૂકવત હોય છે પરંતુ ઘણી વાર વાલીઓએ જે કેરટેકરને પોતાના બાળકની જવાબદારી સોંપી હોય છે તે જ બાળક માટે ભક્ષક બની જાય છે. અને માતા-પિતાની ગેરહાજરીમાં બાળક પર જુલમ કરે છે. આવો જ એક કિસ્સો સુરતના રાંદેરમાં બન્યો છે.

રાંદેરના એક પરિવારને કેરટેકરની કાળી કરતૂતનો ત્યારે ખ્યાલ આવ્યો જ્યારે તેઓએ સીસીટીવી ફૂટેજ જોયા. આ સીસીટીવી વીડિયો જોઇ કોઇ પણ વ્યક્તિનું લોહી ઉકળી ઉઠશે. રાંદેર પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર ઉતાર્યો હતો.

આ રાક્ષસી કેરટેકરે પાંચ મિનિટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડ્યું હતું અને તે માસુમ બાળકના કાન મચેડી નાખ્યા હતા. અને પાટ પર જ ફેંકીને માર માર્યો હતો, જેના કારણે બાળક બેભાન થઈ ગયું હતું, આથી કેરટેકરે બાળકનાં માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેન હેમરેજ થયાનું ખૂલ્યું હતું. જોકે હાલ બાળક હોસ્પિટલમાં દાખલ છે.

જોકે માતા-પિતાએ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરાતાં કેરટેકરનો ભાંડો ફૂટી ગયો હતો અને મામલો રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બાળકના પિતા મિતેશ પટેલે મોડી રાતે કેરટેકર મહિલા વિરૂદ્ધ ફરિયાદ આપી હતી, જેના આધારે કેરટેકર કોમલ રવિ ચાંદલેકરની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે કેરટેકર તરીકે કોમલ છેલ્લા 3 મહિનાથી રાખી હતી અને તેનો 3 હજારનો પગાર હતો.

Scroll to Top