નડિયાદમાં પતંગની દોરીથી ગળું કાપતાં યુવકનું મોત, ઉત્તરાયણ પહેલા એક ઘરનો દીપ બુઝાયો

ચાઈનીઝ દોરી અને કાચના કોટેડ દોરાના વેચાણ પર પ્રતિબંધ છે. આ માટે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. આમ છતાં ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં પતંગની દોરી ગળામાં ફસાઈ જવાને કારણે એક યુવકનું ગળું કપાઈ જતાં તેનું મોત થયું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના નડિયાદના સરદારનગર વિસ્તારમાં બની હતી. આણંદમાં રહેતો 22 વર્ષીય યુવક વિપુલ ઠક્કર કોઈ કામ અર્થે નડિયાદ ગયો હતો. તેઓ નડિયાદમાં તેમના મિત્ર કાંતિભાઈના ઘરે ગયા હતા. કાંતિભાઈનું બાઇક લઈને કોઈ કામ માટે તે જઇ રહ્યા હતા. સરદારનગર વિસ્તારમાંથી પસાર થતી વખતે પતંગની દોરી તેના ગળામાં ફસાઈ ગઈ અને તેનું ગળું કપાઈ ગયું. સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને અન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વિપુલનું મોત થયું હતું.

આ વાતની જાણ થતા હોસ્પિટલ પહોંચતા જ વિપુલના પરિવારજનો રડી પડ્યા હતા.

Scroll to Top