દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામે એક લોહિયાળ ખેલ ખેલાયો છે. જેમા એક સાળા અને બનેવીની તકરારમાં બે સાળાએ મળીને બનેવીનું ઢીમ ઢાળી દીધુ છે. આ ઘટનામાં બે સાળાઓએ મળીને કુલ્હાડી વડે પોતાના બનેવી પર હુમલો કર્યો હતો અને ઉપરાછાપરી કુલ્હાડીના ઘા માર્યા હતા. જેમા બનેવીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. ત્યાં જ આ ઘટનામાં વચ્ચે પડનાર મહિલા પણ ઈજાગ્રસ્ત થઇ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાણવડ તાલુકાના રાણપર ગામે આજે સાંજના સમયે દલિત પરિવારના સબંધમાં થતા સાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઇ હતી. જેમાં મૃતક પોલાભાઈ સાદીયાની તેમના જ સાળા અરવિંદ નથુ ખરા અને ગોવિંદ નથુ ખરા દ્વારા કુલ્હાડીના ઘા મારીને કમકમાટી ભેર હત્યાં કરી દેવામાં આવી હતી. ઘટના બાદ આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે.
રાણપર ગામમાં હત્યાના આ બનાવથી ચકચાર વ્યાપી ગઇ છે. સાળા બનેવીના ખૂની ખેલમાં પરિવારની એક મહિલા વચ્ચે પડતા તે પણ ઈજાગ્રસ્ત થઇ છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અને મૃતક પોલાભાઈ સાદીયાનો મૃતદેહ પી. એમ. અર્થે ભાણવડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સાળા અને બનેવીની પારિવારિક ઝઘડામાં હત્યા થઇ હોવાનું પ્રાથમિક રીતે દેખાઈ રહ્યું છે સાથે જ બનાવની દરેક કળી મેળવવા માટે પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે.
હત્યાની આ ઘટના બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે અને હત્યારા સાળાઓને ઝડપી પાડવા માટે કમર કરી છે. ત્યાં જ ફરાર આરોપીઓને પકડવા માટે એક ટીમ પણ બનાવવામાં આવી છે. ત્યાં જ હાલમાં ઘાયલ મહિલાનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસ આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.