જો તમે ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો અને કિંમતને કારણે નથી ખરીદી રહ્યા તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે આગામી બે વર્ષમાં પેટ્રોલ અને ઈલેક્ટ્રિક વાહનોની કિંમત સમાન થઈ જશે. તેમનું કહેવું છે કે બે વર્ષ પછી પેટ્રોલ અને ઈલેક્ટ્રિક વાહનો સમાન કિંમતે વેચાવા લાગશે. સસ્ટેનેબિલિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત વેબિનારમાં નીતિન ગડકરીએ કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનો પર GST માત્ર 5 ટકા છે, જ્યારે પેટ્રોલ વાહનો પર તે 28% લઈને 42% સુધી છે.
તેમણે કહ્યું કે ઈલેક્ટ્રિક વાહનોમાં લિથિયમ બેટરી ના ઉપયોગ ને કારણે તેની કિંમત વધારે છે. ટૂંક સમયમાં તેને ઘટાડવાનો પ્રયાસ કરશે. જો આમ થશે તો કિંમતોમાં ઘટાડો થશે અને ઈલેક્ટ્રિક વાહનો પણ પેટ્રોલ વાહનોની જેમ જ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લિથિયમ બેટરીની કુલ જરૂરિયાતના 81 ટકા સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે તેના વિકલ્પ વિશે પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં આ દિશામાં કોઈ સુધારો જોવા મળશે. તેમણે કહ્યું કે મારું સપનું છે કે ભારત ઇલેક્ટ્રિક વાહનોનું હબ બને. તેથી જ મેં મર્સિડીઝ અને બીએમડબલ્યુને આમંત્રણ આપ્યું છે.
રસ્તાઓ પર ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવી રહ્યા છે: નીતિન ગડકરીએ કહ્યું કે ટુ વ્હીલરની બાબત માં પણ અમે આગેવાની લીધી છે. બજાજ અને હીરો ઓફ ઇન્ડિયા જેવી કંપનીઓ પણ તેમના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સની નિકાસ કરી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટની અછતના પ્રશ્ન પર તેમણે કહ્યું કે આગામી બે વર્ષમાં દેશભરમાં તેમની સંખ્યા વધારવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં રોડની બાજુમાં અને બજાર વિસ્તારોમાં 350 જગ્યાએ ચાર્જિંગ પોઈન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ સિવાય પેટ્રોલ પંપને ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવાની પણ પરવાનગી આપવામાં આવી રહી છે.
ગડકરીએ કહ્યું કે, ઇલેક્ટ્રિક વાહનો માટે તેમનો ‘પ્લાન 2030’ છે. તેમણે કહ્યું કે ભારતમાં એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેમની પાસે ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવા માટે પોઈન્ટ છે. નીતિન ગડકરીએ કહ્યું કે દેશમાં ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે અને કિંમતોમાં ઘટાડાને કારણે આગામી દિવસોમાં તેનો વપરાશ વધશે. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય છે કે 2030 સુધીમાં 30 ટકા ખાનગી કાર, 70 ટકા કોમર્શિયલ કાર અને 40 ટકા બસો ઈલેક્ટ્રિક હોવી જોઈએ.