શ્રાવણ સુદ સાતમને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યના કેટલાક પ્રદેશોમાં આ વ્રત વદ સાતમના દિવસે પણ કરાઈ છે. શીતળા સાતમનું વ્રત સ્ત્રીઓ પોતાના સંતાન અને પરિવારના હિત માટે કરતી હોય છે
જ્યારે રાંધણ છઠના દિવસે રસોઈ તૈયાર કરીને ચૂલાની પૂજા કરાય છે. તેની સાથેસાતમના દિવસે સવારે શીતળા માતાનું પૂજન કરવાનું મહત્વ રહેલ છે. સાતમના દિવસે સવારે સ્ત્રીઓ દ્વારા ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. માન્યતા એ પણ છે કે, આ વ્રત સંતાનપ્રાપ્તિ માટે કરાય છે.
તેમજ બાળક જો વારંવાર માંદુ પડી રહ્યો હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરી નાખે છે. જ્યારે દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરી સ્ત્રીઓ શીતળા સાતમની વ્રત કથા કરે છે. તો આવો જાણીએ શીતળા સાતમની કથા અને વ્રતનું મહત્વ…
કંઇક આ પ્રકાર છે એક ગામમાં એક પરિવાર રહી રહ્યો હતો. શ્રાવણ મહિનાની છઠ્ઠના દિવસે પરિવારની વહુઓએ રસોઈ બનાવી હતી. પરંતુ દેરાણી અને જેઠાણી ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા. રાત્રિનો સમય થયો અને માતા શીતળા ફરવા નીકળ્યા ત્યારે તેઓ દેરાણીના ઘેર આવી ચૂલામાં આળોટવા જતા આખા શરીરમાં દાઝી ગયા હતા. તેથી શીતળા માતા દ્વારા તેને શ્રાપ આપવામાં આવ્યો કે “જેવી મને બાળી, એવું તારું પેટ બળજો.” આ વાત જાણીને દેરાણી કલ્પાંત કરવા લાગી હતી.
ત્યાર બાદ કોઈ એ જણાવ્યું કે, નક્કી આ શીતળા માતાનો કોપ છે. આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ ભટકવા લાગી હતી. આ દરમિયાન વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશીમાં જોવા મળ્યા હતા, ડોશીએ ત્યારે તેન બોલાવી અને માથાને સાફ કરવાનું કહ્યું હતું.
જ્યારે દેરાણીએ ડોશીના કહેવા મુજબ તેણે તેના માથાને સાફ કરી દીધું હતું. આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશી દ્વારા કહેવામાં આવ્યું કે, “જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળશે” એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો દીકરો સજીવન થઈ ગયો હતો. શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી દીધી હતી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા હતા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ પણ થઈ હતી