કોરોનાની ત્રીજી લહેરની ભીતિ વચ્ચે ગઈકાલના રાત્રે ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય આયોજન કરી કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્યના પાટનગર ગાંધીનગરની પ્રજા હજુ પણ ભય હેઠળ રહેલી છે. કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યમાં હોસ્પિટલમાં બેડ ના મળવાની સાથે ઓક્સીજનની ભારે અછત સર્જાઈ હતી. આ કારણોસર કોઈના કોઈ કોઈએ પરિવારમાંથી પોતાના સ્વજનને ગુમાવ્યા હતા.
પરંતુ જાણકારો હજુ પણ ત્રીજી લહેરની શક્યતાને દર્શાવી રહ્યા છે, જ્યારે શનિવારની સાંજે ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય ડાયરો યોજી કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા.
રાજ્યમાં એક તરફ મોતના આતંક વચ્ચે પણ રાજકીય પક્ષો દ્વારા કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર ચાલુ રાખવામાં આવ્યો છે. છેલ્લે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નાગરિકોના હિતમાં નિર્ણય લઈને ચૂંટણી જ મુલતવી રાખી દેવાયા બાદ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે આગામી ત્રીજી ઓક્ટોબરના કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે એવામાં રાજકીય પક્ષો દ્વારા ફરીથી પ્રચાર પ્રસારમાં જોર શોર લગાવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે.
જ્યારે બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતા રાજય આરોગ્ય તંત્ર સજ્જ થઈને વારંવાર કોરોના ગાઈડલાઈનનું અચૂક પાલન કરવાની સૂચનાઓ આપતું રહે છે. સરકાર દ્વારા પણ રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગરના રાજકારણમાં પગ પેસારો કરનાર આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલના કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં ડાયરાનું આયોજન કરી હજારોની સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવી હતી.
તેની સાથે અત્યાર સુધી કોરોનાની મહામારીમાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટી દ્વારા જ ડાયરાનું આયોજન કરીને કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક વિના જ એકઠી થયેલી ભીડ આમ આદમી પાર્ટીના વિજય સુંવાળાનાં ગીતોના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા હતા. કહેવામાં આવે છે કે, મોટાભાગે રાજકોટ-સુરતથી ગાંધીનગરમાં પ્રચાર માટે આવેલા આમ આદમી પાર્ટીના જ કાર્યકરોએ કોરોના ગાઈડ લાઈનનાં ધજાગરા ઉડાવી ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપવામાં કોઈ કસર છોડવામાં આવી નથી.