બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના કુચાવાડા વિરોણા ગામની પાસે ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કેમિકલ ભરેલા ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લાના કૂચવાડા વિરોણા ગામ પાસે ટેન્કરે જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડીને ટક્કર મારી હતી તે દરમિયાન બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. જેમાં ક્લીનરનું ભડથું થઈ ગયું હોય તેવું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાંતીવાડાના વિરોણા ગામની નજીક વહેલી સવારના કેમિકલ ભરેલા ટેન્કર અને જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ તેની સરકારી ગાડી સાઈડમાં ઉભી રાખી વાહન ચેકિંગ કરવા ઉભા રહયા હતા. તે દરમિયાન દાંતીવાડા તરફથી ખુબ જ ઝડપી આવી રહેલા કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે પોલીસની ગાડીને ટક્કર વાગી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે, તેના કારણે ટેન્કર પલટી ખાઈ ગયું હતું.
તેમ છતાં, ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાથી તેમાં તરત જ આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયંકર હતી કે તેના કારણે પોલીસની ગાડી પણ તરત જ ઝપેટમાં આવી ગઈ હતી. જેના કારણે બંને ગાડીઓ સળગવા લાગી હતી. જ્યારે આ બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા અને પોલીસની મદદથી ટેન્કરમાં ફસાયેલા ડ્રાઈવર સહિતના લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસ અને સ્થાનિકો દ્વારા અકસ્માતગ્રસ્ત ટેન્કરમાં ફસાયેલા ડ્રાઇવર સહિતના લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમ છતાં, આગની ઝપેટમાં આવી જતાં ક્લીનરનું કરુણ મોત થયું હતું. જ્યારે બનાવની જાણકારી મળતા જ દાંતીવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.