અભિનેત્રી લીના મારિયા પોલ, જે તેના પતિ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે છેતરપિંડીના આરોપમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, તે હવે મહિલા કેદીઓ માટે કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમના ભાગરૂપે જામ અને જેલી બનાવવાનું શીખી રહી છે. તે મદ્રાસ કેફે જેવી પ્રખ્યાત ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
જેલમાં સક્રિય છે લીના પોલ
જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે લીના પોલ, જે ગયા વર્ષથી તિહારમાં બંધ છે, તે એક પ્રશિક્ષિત ક્લાસિકલ ડાન્સર છે અને સકારાત્મક વાતાવરણ બનાવવા માટે જેલ દ્વારા આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે.
જેલમાં નવી વસ્તુઓ શીખી રહી છે અભિનેત્રી
અધિકારીઓએ જણાવ્યું કે જેલમાં કેદીઓ માટે જામ અને જેલી ઉપરાંત કલા, સંગીત, નૃત્ય, યોગ અને અથાણું બનાવવાના વર્ગો પણ યોજવામાં આવે છે. જેલ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “જ્યારથી લીના પોલ જેલમાં આવી છે, ત્યારથી તે અન્ય મહિલા કેદીઓની જેમ સકારાત્મક રહેવાનો પ્રયાસ કરી રહી છે અને તેના સમયનો ઉપયોગ નવી વસ્તુઓ શીખવા માટે કરી રહી છે જેમાં તેને રુચિ છે. તે છેલ્લા બે મહિનાથી અઠવાડિયામાં બે વાર જામ અને જેલી બનાવવાના ક્લાસમાં હાજરી આપી રહી છે.”
નેઇલ આર્ટ અને મેકઅપ ક્લાસમાં પણ લીધો પ્રવેશ
જ્યારે અભિનેત્રી તિહાર જેલની નંબર 6 વિંગ અથવા મહિલા વિંગમાં બંધ છે, ત્યારે તેનો પતિ નંબર 1 વિંગમાં છે. અધિકારીએ જણાવ્યું હતું કે લીના પોલ જામફળ સ્ક્વોશ, ટામેટા જામ અને કસ્ટર્ડ બનાવતા શીખી છે અને નેઇલ આર્ટ અને મેકઅપ ક્લાસમાં પણ પ્રવેશ મેળવ્યો છે. અધિકારીએ કહ્યું કે લીના પોલ ફિટ અને સ્વસ્થ રહેવા માટે યોગા પણ કરે છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર અન્ય કેદીઓ સાથે ગ્રૂપ ડાન્સ પણ કર્યો હતો.