કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ સ્પીકર ઓમ બિરલાને ગૃહમાં બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને હટાવવાની માંગ કરી હતી. પોતાના ‘રાષ્ટ્રીય પત્ની’ના નિવેદન પર ખેદ વ્યક્ત કરવાને બદલે ચૌધરીએ આરોપ લગાવ્યો કે જે રીતે સ્મૃતિ ઈરાનીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નામ લીધું છે, તેનાથી તેમની ગરિમાને ઠેસ પહોંચી રહી છે.
ચૌધરીએ કહ્યું કે સ્મૃતિ ઈરાની ગૃહમાં તેમના સંબોધન દરમિયાન “રાષ્ટ્રપતિ મુર્મુના નામની બૂમો પાડી રહી હતી”. અધીર રંજને લોકસભાના અધ્યક્ષને લખેલા પત્રમાં કહ્યું છે કે, ‘સ્મૃતિ ઈરાની જે રીતે ગૃહમાં રાષ્ટ્રપતિનું નામ લઈ રહી હતી તે યોગ્ય ન હતું. આ માનનીય રાષ્ટ્રપતિ સાથે સુસંગત ન હતું. માનનીય, મેડમ અથવા શ્રીમતી જેવા આદરપૂર્ણ શબ્દોનો ઉપયોગ કર્યા વિના તે ‘દ્રૌપદી મુર્મુ’ બૂમો પાડી રહી હતી.
અધીર રંજને વધુમાં કહ્યું કે આ સ્પષ્ટપણે રાષ્ટ્રપતિના કાર્યાલયનું અપમાન કરવા સમાન છે. તેથી, હું માંગ કરું છું કે ઈરાનીએ જે રીતે રાષ્ટ્રપતિને સંબોધ્યા છે, તેને ગૃહની કાર્યવાહીમાંથી બહાર કાઢવા જોઈએ.
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પણ પોતાના પત્રમાં સ્પીકરને વિનંતી કરી છે કે આ સમગ્ર મામલામાં સોનિયા ગાંધીની કોઈ ભૂમિકા નથી, તેથી તેમના નામનો ઉલ્લેખ કરતા સમગ્ર નિવેદનને પણ ગૃહમાંથી હટાવી શકાય. તમને જણાવી દઈએ કે આ પહેલા અધીરે પણ સોનિયા ગાંધીને પોતાના ગાર્ડિયન તરીકે જણાવ્યું હતું. સોનિયાએ જે રીતે સંસદમાં અધીર રંજનનો બચાવ કર્યો તે અંગે ચૌધરીએ કહ્યું હતું કે, આજે મને લાગ્યું કે હું અનાથ નથી, સોનિયા ગાંધી મારા વાલી છે.