દેશના આ રાજ્યમાં 38 દિવસ બાદ અચાનક કોરોનાના કેસમાં થયો વધારો, દેશમાં ત્રીજી લહેરના સંકેત?

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેરળમાં અચાનક કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક જ દિવસે 16,148 નવા કેસ નોંધાયા છે. આ 38 દિવસ પછીનો સૌથી મોટો આંકડો આવ્યો છે. કેરળમાં કોરોના કેસની સ્થિતિ જોઇને હવે દેશમાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ સરકાર દ્વારા ત્રીજી લહેરને લઇને ચેતવણી આપવામાં આવી છે.

કેરળમાં કોરોનાના કેસ વધીને કુલ આંકડો 31,46,981 પહોંચ્યો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 15,269 થયો છે. જયારે હાલમાં પણ 1,24,000 થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ રહેલા છે. અહીં મોટાભાગના જિલ્લાઓમાં કોરોના કેસ વધારો થઈ રહ્યો છે. તેના સામે કોરોના ટેસ્ટિંગની ટકાવારી 10.76 રહેલી છે. રાજ્યભરમાં કુલ 3,99,634 લોકો ઓબ્ઝર્વેશનમાં રખાયેલા છે.

તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર શનિવારના રાજ્યભરમાં જાહેર સ્થળો પર કુલ 12 હજારથી વધુ લોકોને માસ્ક ન પહેરવા, 9800થી વધુ લોકોને કોરોના પ્રોટોકોલના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિવાય કોરોના નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા 1949 લોકોની ધરપકડ પણ કરાઈ હતી. જયારે 3329 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં ક્વોરન્ટીન નિયમોના ભંગ કરવા સામે 108 કેસ પણ નોંધાયા છે.

નોંધનીય છે કે, ભારતમાં બીજી લહેરની અસર નબળી પડવાના કારણે લોકો હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર ફરવા નીકળી ગયા હતા. જ્યારે માસ્કના ઉપયોગ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા કોરોના નિયમોનો ભરબજારે ભંગ જોવા મળ્યો હતો. દેશભરના અનેક રાજ્યોમાં આ પ્રકારની સ્થિતિને લઇને કેન્દ્ર સરકાર દ્વારા પણ કોરોનાની ત્રીજી લહેર માટે ચેતવણી અપાઈ હતી. કેન્દ્રએ આ સ્થિતિ સામે રાજ્ય સરકારોને પત્ર લખી કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપેલ છે. આ સિવાય અન્ય સંસ્થાઓ દ્વારા પણ કોરોનાની ત્રીજી લહેરને લઇને ચેતવણી અપાઈ છે.

Scroll to Top