ઓડિશા બોર્ડની 10મીની પરીક્ષા શુક્રવારથી શરૂ થઈ છે જેમાં 5.8 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ વિદ્યાર્થીઓમાં બીજુ જનતા દળના ધારાસભ્ય અંગદ કન્હાર પણ સામેલ છે. 56 વર્ષીય અંગદ તેના બાળકોની ઉંમર કરતા નાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં બેસશે અને 10માની પરીક્ષા આપશે.
અંગદ કન્હાર ઓડિશાના ફુલબની વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે. અંગદ શુક્રવારે પીતાબારી ગામની રૂજાંગી હાઈસ્કૂલમાં 10માની પરીક્ષા આપવા પહોંચ્યા હતા. ધારાસભ્ય અંગદે જણાવ્યું કે પંચાયતના સભ્યો અને ડ્રાઈવરે તેને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા. તેણે વધુમાં કહ્યું હતું કે હું પાસ થઈશ કે નહીં તે જાણતો નથી, પરંતુ મેં ડિગ્રી મેળવવાના ઈરાદાથી પરીક્ષા આપી છે. અંગદના નજીકના સહયોગીના જણાવ્યા અનુસાર, તેમણે 1987માં અભ્યાસ છોડી દીધો હતો. વર્ષ 2019માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ અંગદે 8માની પરીક્ષા આપી હતી.
3540 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા
મળતી માહિતી મુજબ, રાજ્ય બોર્ડની 10ની પરીક્ષામાં કુલ 5 લાખ 85 હજાર 730 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા 3540 કેન્દ્રો પર લેવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પરીક્ષાઓ દરમિયાન 35 હજારથી વધુ શિક્ષકો રોકાયેલા છે. આ પરીક્ષાઓ સવારે 8 થી 9.30 દરમિયાન લેવામાં આવશે.